- દાંતા ખાતે Vanbandhu Kalyan Yojana અંતર્ગત કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ કિટ્સનું વિતરણ
- વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કૃષિ વૈવિધ્યકરણ યોજના-2021નો શુભારંભ
- દસ વર્ષમાં યોજના અન્વયે 10 લાખ આદિજાતિ ખેડૂતોને રૂપિયા 250 કરોડની સહાય
બનાસકાંઠા : જિલ્લાના દાંતા ખાતે જિલ્લાના સાંસદ પરબતભાઇ પટેલના હસ્તે વનબંધુ કલ્યાણ યોજના (Vanbandhu Kalyan Yojana) અંતર્ગત કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ કિટ્સ (Agricultural Diversification Project kits)નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કૃષિ વૈવિધ્યકરણ યોજના-2021(Agricultural Diversification Scheme-2021 )નો શુભારંભ કરતા જણાવ્યું હતું કે, આ યોજનાનો લાભ ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના 14 આદિજાતિ જિલ્લાના 1.26,000થી વધુ વનબંધુ ખેડૂતોને મળશે.
10 લાખ આદિજાતિ ખેડૂતોને રૂપિયા 250 કરોડની સહાય અપાઇ
કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત આદિવાસી ખેડૂતો (Tribal farmers)ને 31 કરોડના ખાતર-બિયારણ સહાય મળશે. જેમાં ખાતરમાં 45 કિલો ગ્રામ યુરિયા, 50 કિલોગ્રામ એન.પી.કે. અને 50 કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટની કિટ આપવામાં આવશે. મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું કે, છેલ્લા દસ વર્ષમાં આ યોજના અન્વયે 10 લાખ આદિજાતિ ખેડૂતોને રૂપિયા 250 કરોડની સહાય આપવામાં આવી છે. આ યોજનામાં મકાઈ, કારેલા, દુધી, ટામેટા, રીંગણ, બાજરી, જેવા પાકના બિયારણ પણ આપવામાં આવે છે. જેથી આદિવાસી ખેડૂતો (Tribal farmers) વધારે આવક મેળવતા થયા છે.
આદિજાતિ વિસ્તારની 5.45 લાખ એકર જમીનને સિંચાઈ સુવિધા મળશે
આદિવાસી ખેડૂત તેના બાવડાના જોરે ખેતી કરી શકે અને પાણી વિહોણો ન રહે તે માટે રાજ્ય સરકારે આદિજાતિ જિલ્લાના ડુંગરાળ પ્રદેશોમાં લિફ્ટ ઇરિગેશન (Lift Irrigation)ની વિવિધ યોજનાઓ થકી ઊંચાઈ પર સિંચાઈના પાણી પહોંચાડવાના ભગીરથ કાર્યો હાથ ધર્યા છે.
117 કરોડની ઉદ્વહન સિંચાઇ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી
રાજ્ય સરકારે તાજેતરમાં કપરડા ધરમપુર માટે રૂપિયા 797 કરોડની ઉદ્વહન સિંચાઇ યોજના તથા અરવલ્લી જિલ્લામાં વાત્રક જળાશય આધારિત મેઘરજ માલપુર તાલુકાને હરિયાળા બનાવવા માટે રૂપિયા 117 કરોડની ઉદ્વહન સિંચાઇ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે છેલ્લા ચાર વર્ષમાં આદિજાતિ વિસ્તારોમાં કુલ રૂપિયા 6600 કરોડની વિવિધ સિંચાઈ યોજનાને મંજૂરી આપી છે. જેના નિર્માણ કાર્યો ચાલી રહ્યા છે. આના થકી આદિજાતિ વિસ્તારની 5.45 લાખ એકર જમીનને સિંચાઈ સુવિધા મળશે.
સરકાર આદજાતિ લોકોના સર્વાગી વિકાસ માટે કામ કરી રહી
જિલ્લા સાંસદ પરબત પટેલે ((MP Parabat Patel)જણાવ્યું કે, વન બંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિજાતિ (Tribe) દાંતા તાલુકામાં 3,000 અને અમીરગઢ તાલુકામાં 2,000 આમ કુલ-5,000 કૃષિ વૈવિધ્યકરણ કિટ્સનું વિતરણ કરશે. તેમણે જણાવ્યું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વવાળી રાજય સરકાર આદજાતિ લોકોના સર્વાગી વિકાસ માટે કામ કરી રહી છે. વનબંધુઓને આત્મનિર્ભર બનાવવા સરકારે ઘણીબધી યોજનાઓમાં અમલી બનાવી છે.
ગ્રામ વિકાસના કાર્યો સહિત અનેકવિધ યોજનાઓ અમલી બનાવી
તેમણે જણાવ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ વન બંધુઓની વિશેષ ચિંતા કરીને અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વ પટ્ટીમાં રહેતા આદિવાસીઓના કલ્યાણ માટે ઠેર-ઠેર શાળાઓ, કોલેજો, ડુંગરાળ વિસ્તારમાં સારા રસ્તાઓ, આરોગ્ય, કૃષિ અને સિંચાઇની સવલતો, ગ્રામ વિકાસના કાર્યો સહિત અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. જેનો લાભ લઇ આદિવાસી સમાજ અન્ય સમાજોની સાથે કદમ મિલાવી પ્રગતિ કરી રહ્યો છે. સાંસદએ કોરોના રસીકરણ (Vaccination) પર ભાર મુકતાં જણાવ્યું કે, કોઇપણ પ્રકારનો વહેમ કે ડર રાખ્યા સિવાય કોરોના પ્રતિરોધક રસી મુકાવી આપણે પોતે અને પરિવારને સુરક્ષિત બનાવીએ તથા કોરોનાની બિમારીને ભગાડીએ.