બનાસકાંઠા: ગુજરાતમાં સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા સરકાર સામે છેલ્લા ઘણા સમયથી તેમની માંગણીઓને લઈને આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં ખાસ કરીને તારીખ 1-4-2005 પહેલાના સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવી અને 1 4 2005 પછીના કર્મચારીઓને સી પી એફ 10% થી વધારી 14% કરવાની માગણી હતી.
થાળી વગાડી રોષ: વિધાનસભાની ચૂંટણીના સમય દરમિયાન કર્મચારીઓએ આંદોલન કરતા સરકારે તેમની માંગણીઓ સ્વીકારી હતી. ચૂંટણી પત્યા બાદ ઠરાવ કરવાની બાંહેધરી આપી હતી. પરંતુ ચૂંટણી પત્યા પછી સાત મહિના જેટલો સમયગાળો વીતી ગયો છે. તેમ છતાં પણ સરકારે હજુ સુધી આ બાબતે કોઈ જ ઠરાવ કર્યા નથી. જેથી કર્મચારીઓએ ફરી સરકાર સામે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. કર્મચારીઓ દર અઠવાડિયે વિવિધ કાર્યક્રમો થકી સરકારને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે અંતર્ગત આજે ડીસામાં પણ સાંઈબાબા મંદિરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આગળ કર્મચારીઓએ મીણબત્તી પ્રગટાવી થાળી વગાડી રોષ ઠાલવ્યો હતો.
સરકારને વિનંતી: આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં શિક્ષકોએ જણાવ્યું હતું કે, "આજે કેન્ડલ માર્ચનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. આ અગાઉ પણ સંયુક્ત મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવ્યા હતા. જેની અંદર જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવ્યા તેમ છતાં પણ હજુ સરકારની નથી. વધુમાં જણાવ્યું કે, સરકારી 10% ની જગ્યાએ 14% સરકારમાંથી કપાવવા માટેનો ઠરાવ કરવા માટેનો જાહેરાત કરેલ તેમ છતાં પણ હજુ સુધી ઠરાવ થયેલ નથી. પાલનપુર મુકામે મૌન રેલી દ્વારા તમામ કર્મચારીઓ રસ્તા ઉપર આવી અને વાઈટ કપડા સાથે શાંતિના પ્રતિક રૂપે સરકારને જગાડવા માટેનો પ્રયત્ન કરશે માટે સરકારને અમારી નમ્ર વિનંતી છે. માગણીઓ સરકાર સ્વીકારે એવી અમે સરકારને અપીલ કરીએ છીએ.