બનાસકાંઠા: જિલ્લામાં દિવસેને દિવસે ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં નજીવી બાબતોમાં હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. તો બીજી તરફ અસામાજિક ઘટનાઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જેમાં બનાસકાંઠામાં ધાનેરા ખાતે વારંવાર અસામાજિક પ્રવૃત્તિઓ આચરનાર ચાર સગા ભાઈઓની સામે પાસાનો હુકમ થતા અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
જેમાં ધાનેરામાં રહેતા આબીદશાં સાંઈ, જાકિરશાં સાંઈ, આરીફશા સાંઈ, ઈલિયાશ સાંઈ નામના સગા ચાર ભાઈઓ વારંવાર ગુનાઓ કરી અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા હતા અને સમાજમાં ભય અને ડરનું વાતાવરણ ઊભું કરતા હતા. આ ચાર ભાઈઓ સામે અત્યાર સુધી ધાનેરા પોલીસ મથકમાં અસંખ્ય ગુનાઓ નોંધાયા છે. ત્યારે તંત્રએ સમાજમાં અસામાજિક પ્રવૃત્તિઓ અટકે અને નિર્દોષ લોકો શાંતિથી જીવી શકે તે માટે આ 4 સગા ભાઇઓ સામે પાસા હેઠળની કાર્યવાહી કરી છે. જેમાં આજે બનાસકાંઠા જિલ્લા નામદાર કોર્ટે ચાર ભાઈઓ સામે પાસાનો હુકમ કરી સમાજમાં દાખલો બેસાડયો છે. અત્યારે આ ચાર આરોપીઓ ધાનેરા સબજેલમાં કેદ છે. ચાર લોકો સામે પાસાનો હુકમ થતા અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ આચરતાં તત્વોમાં ફફડાટ ફેલાયો છે.