- ભાભરમાં હીરાના કારખાનામાં લાખો રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર
- રાત્રિના સમયનો લાભ ઉઠાવી તસ્કરોએ 7 લાખની ચોરીને આપ્યો અંજામ
- હીરાના કારખાના માલિકે ભાભર પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ
- બનાસકાંઠા જિલ્લામાં ચોરીઓની ઘટનામાં વધારો
બનાસકાંઠાઃ ભાભરના વરોણા ગામ ખાતે રહેતા કરમસીભાઈ સંગ્રામસિંહ પ્રજાપતિ હીરાનું કારખાનું ચલાવે છે, તેઓ ગત રાત્રે રાબેતા મુજબ પોતાનું હીરાનું કારખાનું બંધ કરી ઘરે ગયા હતા ત્યારબાદ આજે સોમવારે વહેલી સવારે હીરાના કારખાનનું શટર તૂટેલી હાલતમાં જણાતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. જ્યારે અંદર તપાસ કરતા હીરા મુકવાની તિજોરી ગેસ કટરથી તૂટેલી હાલતમાં જણાઈ હતી. જે બાદ તેઓએ તરત જ જાણ કરતા ભાભર પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને કારખાનામાં તપાસ કરતાં અજાણ્યા તસ્કરોએ ગેસ કટરની મદદથી તિજોરીનો દરવાજો તોડી અંદર મૂકેલા સાત લાખ રૂપિયાના હીરાની ચોરી કરી ગયા હોવાનું માલુમ પડયું હતુ.
ઓફિસના ડ્રોવરમાં મુકેલા 21 હજાર રૂપિયાની પણ ચોરી થઈ
પોલીસે વધુ તપાસ કરતા ઓફિસના ડ્રોવરમાં મુકેલા 21 હજાર રૂપિયાની પણ ચોરી થઈ હતી. જે અંગે કારખાનાના માલિકે અજાણ્યા તસ્કરો સામે સાત લાખ રૂપિયાના હીરા તેમજ 21 હજાર રૂપિયા રોકડ સહિત કુલ 7.21 લાખ રૂપિયાના માલમત્તાની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવી છે, કારખાનાના માલિક કરમસીભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તેમના કારખાનામાંથી રાત્રે 7 લાખ રૂપિયાના હીરાની ચોરી થઈ છે જે અંગે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે
આ પણ વાંચોઃ પાટણમાં કરર્ફ્યૂના માહોલ વચ્ચે રામજી મંદિરમાં ચોરી
ચોરી થયાની જાણ આસપાસના લોકોએ કરીઃ કારખાના માલીક
આ અંગે હીરાનું કારખાનું ચલાવનાર માલિકે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ઘણા વર્ષોથી હીરાનું કારખાનું ચલાવે છે અને ગત એપ્રિલની મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ તેમના કારખાનાનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર પડેલા 7 લાખના હીરાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે આ બાબતની જાણ આજુબાજુના લોકોએ તેમને કરતા કારખાનામાં તપાસ કરી હતી. જે બાદ આ અંગે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
બનાસકાંઠા જિલ્લામાં ચોરીઓની ઘટનામાં વધારો
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં ચોરો શહેરી વિસ્તારને છોડી ગ્રામીણ વિસ્તારમાં મોટી મોટી ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા દિયોદર ભાભર અને ધાનેરામાં સતત ચોરીઓની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં સરહદી વિસ્તારોમાં અનેક ચોરીની ઘટનાઓ સામે આવી છે.
આ પણ વાંચોઃ ભુજમાં ફૂટવેરની દુકાનમાં તસ્કરે કરી ચોરી