6 ડિસેમ્બર 1947ના હોમગાર્ડની સ્થાપના કરવામાં આવી હતી, અને તેના લીધે દર વર્ષે જ ડિસેમ્બરના હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. હોમગાર્ડની સ્થાપના થયાને 72 વર્ષ પૂરા થઇ રહ્યા છે. તેમ છતાં હોમગાર્ડ જવાનોને હજુ સુધી જોઈએ તેટલું વેતન મળતું નથી. હોમગાર્ડ જવાન દરેક કદમ પર પોલીસની સાથે કદમ મિલાવી કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે હંમેશા ખડેપગે તૈયાર રહે છે. રાત્રિ પેટ્રોલિંગની વાત હોય કે, પછી બંદોબસ્ત કાયદો અને વ્યવસ્થાની જાળવણી ઉપરાંત સુરક્ષા અને શાંતિ જાળવવા માટે હોમગાર્ડના જવાનો હંમેશા સક્રિય રહેતા હોય છે. આ ઉપરાંત હોમગાર્ડ જવાનો સેવાકીય કાર્યોમાં પણ સક્રિયતા દર્શાવે છે. હોમગાર્ડના જવાનો વગર કાયદો અને વ્યવસ્થાની જાળવણી લગભગ અશક્ય છે, કારણ કે, કાયદો અને વ્યવસ્થાની જવાબદારી જેના શિરે છે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં આમ પુરતા મહેકમના લીધે હોમગાર્ડના જવાનો નાઈટ પેટ્રોલિંગમાં ખૂબ જ મદદરૂપ થાય છે.
દિવસ-રાત માનદ વેતન પર લોકોને સુરક્ષા અને શાંતિ પૂરી પાડવા ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસે સાથે ખભે ખભો મિલાવીને પોતાની ફરજ નિભાવતા હોમગાર્ડ જવાનોને આપવામાં આવતા વેતન અંગે વાત કરવામાં આવે તો અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતના હોમગાર્ડના જવાનોને ખૂબ જ ઓછું વેતન આપવામાં આવી રહ્યો છે. અન્ય રાજ્યોમાં હોમગાર્ડ જવાનોને 500 થી 800 રૂપિયાનો દૈનિક વેતન મળે છે. તેવામાં ગુજરાતના હોમગાર્ડ જવાનોને દૈનિક વેતન સ્વરૂપે 304 રૂપિયા આપવામાં આવી રહ્યા છે, જે દૈનિક વેતન લઘુત્તમ વેતન કરતા પણ ઘણું ઓછું છે. સરકારે જે કામદારો માટે લઘુતમ વેતન વધારો નક્કી કરેલો હોય સરકાર જ આધાર આનું પાલન ન કરતી હોય ત્યારે હોમગાર્ડ જવાનોનું સરકાર દ્વારા શોષણ કરવામાં આવતું હોય તે કહેવું જરા પણ ખોટું ન કહેવાય.
તાજેતરમાં જ સરકાર દ્વારા હોમગાર્ડ જવાનોને પોલીસ કોન્સ્ટેબલ પ્રમાણે પગાર ધોરણ આપવાનો નક્કી કરવામાં આવી છે. સમગ્ર ભારતમાં હોમગાર્ડ જવાનોને પોલીસ કોન્સ્ટેબલને મળી રહેલા પડતર મુજબ વળતર આપવાનું નક્કી કરવામાં આવ્યું હોવા છતાં ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટની સૂચનાનો પણ ઉલ્લંઘન કરી રહી છે.