અમીરગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પહાડોની વચ્ચે આવેલી ખાટીસિતરા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં 171 જેટલા બાળકો અભ્યાસ કરે છે. પરંતુ શાળામાં ફક્ત એક જ ઓરડો છે. જેના કારણે બાળકો ચોમાસુ હોય ઉનાળો હોય કે, પછી કડકડતી ઠંડી હોય બહાર ખુલ્લામાં અભ્યાસ કરવા મજબુર બને છે. તો સ્કૂલમાં ફક્ત 3 શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. ત્યારે તમામ ધોરણના બાળકોને સાથે બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે.
તેમજ સરકારની દૂધ સંજીવની યોજનાનો પણ આ ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓને લાભ મળતો નથી. જે મામલે અત્યાર સુધી અનેકવાર શિક્ષણ વિભાગમાં રજૂઆતો કરીને કંટાળેલા વાલીઓ કલેક્ટર કચેરી પાસે માસૂમ બાળકોને લઈને ધરણા ઉપર બેસી ગયા હતા. જ્યાં બાળકો જાતે જ શિક્ષક વગર અભ્યાસ કરી રહ્યા છે અને વાલીઓ માંગ કરી રહ્યા છે કે, જ્યાર સુધી તેમની માંગ નહિ સ્વીકારાય ત્યાં સુધી કલેક્ટર કચેરીમાં જ બેસીને બાળકો અભ્યાસ કરશે.