- ડીસાના રિક્ષા ચાલકની અનોખી પહેલ
- સગર્ભા મહિલાઓને વિનામૂલ્યે આપે છે સેવા
- પોતાની પત્ની સાથે બનેલી ઘટના બાદ સેવા શરૂ કરી
બનાસકાંઠા: જિલ્લાના ડીસાના રેજીમેન્ટ વિસ્તારમાં રીક્ષા ચાલકે અનોખી સેવા શરૂ કરી છે. આ યુવક કોઈ ધનિક પરિવારનો નહી પરંતુ એક સામાન્ય પરિવારમાંથી આવતો યુવક છે. જેનું નામ છે સ્વરૃપ માળી અને તે છેલ્લા દોઢ માસથી ડીસામાં રિક્ષાચાલકનો વ્યવસાય કરી રહ્યો છે. યુવક પોતાના રિક્ષાચાલકના વ્યવસાયની સાથે સાથે પોતાના કમાણીના સાધન દ્વારા જ 24 કલાકમાં ગમે ત્યારે સગર્ભા મહીલાઓને દવાખાને જવા કે દવાખાનેથી પરત ફરવા માટેના વાહનની જરુર પડે તો ફ્રી રીક્ષા સેવા આપી અનોખી સેવા કરી રહ્યો છે.
રિક્ષા પાછળ ગર્ભવતી મહિલાઓ માટે ફ્રી સેવાનું પોસ્ટર લગાવ્યુ
રિક્ષાચાલક સ્વરૂપએ પોતાની રિક્ષાની પાછળ ગર્ભવતી મહિલાઓ માટે ફ્રી સેવાનું પોસ્ટર લખી પોતાનો નંબર લખી દીધો છે. જેને લઈ કોઈ પણ મહિલાને પ્રસૂતિ સમયે હોસ્પિટલ પહોંચવા કે હોસ્પિટલથી ઘરે પરત ફરતા સમયે સાધન ન મળે તો મહિલાઓ સ્વરૂપ ભાઈનો સંપર્ક કરે છે. રીક્ષાચાલક પણ દોડીને સેવા માટે પહોંચી જાય છે. આમ છેલ્લા દોઢ મહિનામાં સ્વરૂપએ 15 થી પણ વધુ મહિલાઓને સુરક્ષિત હોસ્પિટલ સુધી પહોંચાડી છે.
જાણો..યુવક સાથે બનેલી ઘટના
ડીસાના રેજીમેન્ટ વિસ્તારમાં સામાન્ય પરિવારમાંથી આવતા રિક્ષાચાલક સ્વરૃપ શાખલા એક વર્ષ અગાઉ ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. તે સમયે તેમની પત્ની ગર્ભવતી હતી. તે સમયે પત્નીને પ્રસૂતિની પીડા થતા હોસ્પિટલ લઇ જવી હતી. પરંતુ મોડી રાતનો સમય થઇ જતા તેમના વિસ્તારમાં કોઈ જ સાધન મળ્યું ન હતું. છેવટે દૂરથી સાધન શોધવા જતાં સાધન તો મળ્યું પરંતુ હૉસ્પિટલ પહોંચ્યા તો તબીબએ મહિલાનું ચેકઅપ કર્યું તો કહ્યું કે" તમે થોડા મોડા પડ્યા જેને કારણે તમારા બાળકનું મોત થઇ ગયું" છે. જે સાંભળીને જ પરિવારના માથે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી.
સગર્ભા મહિલાઓ માટે રીક્ષા તૈયાર કરી
સ્વરૂપની સાથે બનેલી ઘટના બાદ તે સમય પછી જ તેમને વિચાર આવ્યો કે, હું એક સામાન્ય સાધનની અછતથી મારા બાળકને તો બચાવી ન શક્યો પરંતુ મારા અને મારા પત્ની સાથે બનેલી આવી ઘટના અન્ય કોઈ મહિલા સાથે ન બને તેને લઈ સગર્ભા મહિલાઓને હોસ્પિટલ પહોંચાડવા કે હોસ્પિટલથી પરત ઘરે મોકલવા સાધનોની સુવિધા ઉભી કરવાનો વિચાર આવ્યો હતો. પરંતુ આર્થિક પરિસ્થિતિને લઈ એમ્બ્યુલન્સ કે કોઈ વાહન વસાવી શક્યા નહીં પરંતુ છેલ્લા દોઢ માસ અગાઉ પોતાના પિતા દ્વારા લોન લેવડાવી રીક્ષા ખરીદી અને પોતાનો વ્યવસાય બદલી રિક્ષાચાલકનો વ્યવસાય શરુ કર્યો. રીક્ષા ચાલકના વ્યવસાયની સાથે સાથે સગર્ભા મહિલાઓ માટે ફ્રી રીક્ષા સેવા શરૂ કરી દીધી. અત્યારે ડીસા શહેરના કોઈ પણ જગ્યાએથી સ્વરૂપને સગર્ભા મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે ફોન આવે તો તે સમય રાત હોય કે પછી દિવસ તાત્કાલિક પહોંચીને મહિલાને સુરક્ષિત હોસ્પિટલ પહોંચાડે છે. અત્યાર સુધી સ્વરૂપએ દોઢ મહિનામાં 15 જેટલી મહિલાઓને પોતાની રિક્ષાની સેવા આપી છે. પુત્ર દ્વારા મહિલાઓ માટે રીક્ષાની સેવા શરૂ કરતાં સ્વરૂપના પિતા પણ તેમને મદદરૂપ બની રહ્યા છે.
આ પણ વાંચો: Vaccination campaign: વલસાડમાં હોટલ માલિકે કરી અનોખી પહેલ, રસીકરણનું સર્ટી બતાવતા બિલમાં 15 ટકા ડિસ્કાઉન્ટ
મહિલાઓને રીક્ષાની મળી રહી છે સેવા
ડીસાના રેજીમેન્ટ વિસ્તારમાં રહેતા સ્વરૂપ સાંખલા છેલ્લા દોઢ મહિનાથી સગર્ભા મહિલાઓને કોઇપણ ચાર્જ લીધા વગર હોસ્પિટલ પહોંચાડવા માટેની સેવા શરૂ કરી છે. ડીસા શહેરમાં સ્વરૂપની સેવા અનેક મહિલાઓએ લીધી છે. ડીસાના શ્રમજીવી વિસ્તાર ગણાતા રેજીમેન્ટ વિસ્તારમાં અત્યાર સુધી સાધનોની અછતના કારણે અનેક સગર્ભા મહિલાઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે તકલીફો પડતી હતી. રાત્રિના સમયે કોઈ સાધન ન મળતા લોકોએ દૂર દૂર સુધી સાધનો માટે જવું પડતું હતું પરંતુ ડીસાના સ્વરૂપ સાંખલા જ્યારથી વિનામૂલ્યે સગર્ભા મહિલાઓ માટે રિક્ષા સેવા શરૂ કરી છે. ત્યારથી રેજીમેન્ટ વિસ્તારમાં કોઈપણ સમયે સ્વરૂપ ભાઈને ફોન કરતાની સાથે જ તેઓ તાત્કાલિક પોતાની રિક્ષા લઈને સેવા આપવા હાજર થઈ જાય છે. જેથી અમારા વિસ્તારમાં હાલ હોસ્પિટલ સુધી જવા માટે કોઈ જ તકલીફ પડતી નથી.