- ડીસા નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનો પ્રચાર-પ્રસાર શરૂ
- નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે પણ શરૂ કર્યા પ્રચાર-પ્રસાર
- ભાજપ પર કોંગ્રેસના આકરા પ્રહારો
બનાસકાંઠાઃ ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ફરી એક વખત સત્તા કાયમ રાખવા માટે પ્રચાર શરૂ કરી દીધો છે, જેમાં વોર્ડ નંબર 03ની પેનલનું ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ભાજપની વોર્ડ નંબર 03ની પેનલમાં ગોરધનભાઈ કચ્છવા, સંગીતાબેન દવે, શૈલેષ પ્રજાપતિ અને છાયાબેન નાયિએ ઉમેદવારી નોંધાવી છે. ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાના હસ્તે આ વોર્ડના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ભાજપના ઉમેદવારો ફરી એકવાર જંગી બહુમતીથી જીતશે અને સંપૂર્ણ પેનલનો ભવ્ય વિજય થશે તેવો આશાવાદ ઉમેદવારોએ વ્યક્ત કર્યો છે.

ભાજપ પર કોંગ્રેસના આકરા પ્રહાર
ડીસા નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ગત વખતે ડીસા નગરપાલિકામાં ભાજપની સત્તા હતી ત્યારે હવે ભાજપ પાસેથી સત્તા આંચકી લેવા માટે કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી દીધું છે અને ડીસા શહેરમાં કોંગ્રેસે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લા ચૂંટણી પ્રભારી નરેન્દ્રભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ, ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતભાઈ રાવ, ડીસા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પી.પી.ભરતીય, ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલ શાહ સહિત કોંગ્રેસના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસ આગેવાનોએ ભાજપ દ્વારા થયેલા ડીસા શહેરને નુકસાનની વાત કરી હતી. જેમાં ડીસા શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલ બગીચો અત્યારે ભાજપના જ આંતરિક વિખવાદના કારણે ખંઢેર હાલતમાં બની ગયો છે આ સિવાય ડીસા નગરપાલિકામાં આવેલી કરોડો રૂપિયાની ગ્રાન્ટનો પણ કોઈ હિસાબ નથી અને અણઘડ વહીવટના કારણે ગામના લોકો રોડ જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ પરેશાન થઈ ગયા છે. જેના કારણે આ વખતે લોકો કોંગ્રેસને બહુમતીથી જીતાડશે અને સુશાસન લાવશે તેમ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું.

નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે પણ શરૂ કર્યા પ્રચાર-પ્રસાર
જ્યારે બીજી તરફ વોર્ડ નંબર-10માં પણ કોંગ્રેસ દ્વારા પોતાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-10ના ઉમેદવાર દીપકભાઈ પટેલ, રિનાબેન ઠાકોર અને ભાવનાબેન દેસાઈ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યાં છે ત્યારે તેમણે ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે આ વખતે ભાજપના શાસનથી પ્રજા કંટાણી ગઈ છે. જેના કારણે આ વખતે અમારા વિસ્તારમાંથી લોકોનો સારો સપોર્ટ મળી રહ્યો છે જેના કારણે વોર્ડ ન-10 કોંગ્રેસનો જંગી બહુમતીથી વિજય થશે તેવું જણાવ્યું હતું.