- ડીસા તાલુકા સંઘનું કરોડો રૂપિયાનું કૌભાંડ આવ્યું સામે
- કૌભાંડ કરનારાઓ પાસેથી તમામ રકમ વસૂલ કરવામાં આવશે
- ડીસા તાલુકા સંઘના મેનેજરનું નિવેદન
બનાસકાંઠાઃ જિલ્લામાં ડીસા તાલુકાની સૌથી મોટી સહકારી સંસ્થા ખરીદ વેચાણ સંઘ લીમીટેડમાં પૂર્વ ચેરમેન દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યા બાદ સરકાર દ્વારા તાલુકા સંઘના બોર્ડને રદ કરી નવી વ્યવસ્થાપક કમિટીની રચના કરાઈ છે. જેમાં ડીસાના ધારાસભ્યને ચેરમેન તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જેમાં તપાસ દરમિયાન પૂર્વ ચેરમેન દ્વારા રૂપિયા 4.60 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવતાં ચેરમેને કૌભાંડ કરનારા કોઇ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું.
ડીસા તાલુકા સંઘનું કરોડો રૂપિયાનું કૌભાંડ આવ્યું સામે
ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં પૂર્વ ચેરમેન દશરથભાઇ ખટાણા દ્વારા ખોટી મંડળીઓ ઊભી કરી 4.60 કરોડ કૌભાંડ કરવામાં આવ્યું હોવાની જાણ થતાં સરકાર દ્વારા સમગ્ર બોર્ડને રદ કરી નવી વ્યવસ્થાપક કમિટીની રચના કરાઈ છે. બાદમાં તેના અધ્યક્ષ તરીકેનો ચાર્જ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાને આપ્યો હતો અને આ અંગે રજિસ્ટ્રાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવતાં પૂર્વ ચેરમેન અને તેમના દ્વારા ખોટી મંડળીઓ ઊભી કરી મંડળીઓ ન હોવા છતાં પણ ખાતર બિયારણ આપવામાં આવ્યું હતું. તેમજ બાકી આપવાની જોગવાઈ ન હોવા છતાં પણ ખાતર અને બિયારણ બાકી આપી કુલ રૂપિયા 4.60 કરોડનું ગેરરીતિ કરી હોવાનું બહાર આવ્યું છે. જેથી તેમની સામે કાનૂની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘએ ખેડૂતો માટે બનાવવામાં આવી છે. રાતદિવસ ખેડૂતો મહેનત કરી અને આ મંડળીમાં પોતાના પૈસા આપતા હોય છે. આ બાબતે ખેડૂતો દ્વારા વારંવાર જિલ્લા રજિસ્ટારમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે બાદ તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું છે.
ડીસા તાલુકા સંઘના મેનેજરનું નિવેદન
આ અંગે ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘના મેનેજર પોતાનો બચાવ કરતા નિવેદન આપ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન દશરથભાઈ ખટાણા દ્વારા ગેરકાયદેસર માણસોની ભરતી કરી અને બારોબાર લાખો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ખોટી ભરતી કરી અને 4 માણસોનો 16 લાખથી પણ વધુ પગાર ચોપડે ઉતાર્યો હતો. તે ઉપરાંત તાલુકા સંઘના નામે શોપિંગમાં લાખો રૂપિયાના ખર્ચે દુકાનો બનાવવામાં આવી હતી. જેમાં પણ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. તે ઉપરાંત મગફળી ખરીદીમાં પણ દશરથભાઈ દ્વારા પોતાના માણસો રાખી મગફળીમાં પણ કૌભાંડ કરવામાં આવ્યું હતું. ખેડૂતોને આપવામાં આવતા બિયારણનો ખોટો સ્ટોક બતાવી મોટું કૌભાંડ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત તાલુકા સંઘમાં સરકારનો નિયમ કોઈ પણ ખેડૂતને બાકીમાં બિયારણ ન આપવા માટે બનાવવામાં આવ્યા છે પરંતુ તાલુકા સંઘના ચેરમેન દશરથભાઈ દ્વારા લાખો રૂપિયાનું બિયારણ તાલુકા સંઘમાંથી મંડળી ન હોવા છતાં પણ આપવામાં આવી છે. આમ ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘમાં ચેરમેન દશરથભાઈ દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ કરવાનું તાલુકા સંઘના મેનેજર કબૂલ્યું હતું.