- ડીસામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ
- ડીસાના વાડીરોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા
- ETV Bharatના અહેવાલ બાદ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ
બનાસકાંઠા: જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદનું આગમન થયું છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે, ડીસામાં પણ છેલ્લા 2 દિવસથી વરસાદનું આગમન થયું છે. જેના કારણે લોકોએ લાંબા સમય બાદ વરસાદના કારણે ગરમીથી રાહત મેળવી હતી. ત્યારે બીજી બાજુ, સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સતત વરસાદી પાણી લોકોના ઘરોમાં પણ ઘુશ્યા હતા.
આ પણ વાંચો: Rain news: બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, વરસાદી પાણી ભરાતા લોકો ત્રાહિમામ
વાડી રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા
ડીસા શહેરમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે વાડી રોડ વિસ્તારના લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. વિસ્તારમાં વરસાદના કારણે વાડી રોડ ખાતે પસાર થતા મોટાભાગના ઘરોમાં વરસાદી પાણી ભરાયા હતા. આ પાણીના નિકાલ માટે વિસ્તારના લોકોએ અનેક વાર રજૂઆત કરી હોવા છતાં નગરપાલિકા દ્વારા છેલ્લા 30 વર્ષથી આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેની કોઇ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. જે બાદ, રવિવારે ભારે વરસાદના કારણે આ વિસ્તારમાં મોટાભાગના ઘરોમાં વરસાદી પાણી ભરાયા હતા. જે અંગેનો અહેવાલ ETV Bharat દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: બનાસકાંઠામાં વહેલી સવારે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અનેક વિસ્તારમાં ભરાયા પાણી
ETV Bharatના અહેવાલ બાદ તંત્રએ કામગીરી હાથ ધરી
ડીસાના વાડી રોડ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી ભારે હાલાકી ભોગવતા લોકોએ ETV Bharat સાથે પોતાની વ્યથા રજૂ કરતા તે અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આથી, સોમવારના રોજ વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે આ વિસ્તારની મુલાકાતે આવ્યા હતા. નગરપાલિકાના પ્રમુખ અને સ્થાનિક કોર્પોરેટરે વિસ્તારના તમામ લોકોની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, જ્યાં પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ન હતી તેની તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. નગરપાલિકાના JCB દ્વારા તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાંથી પસાર થતા નાળાની સફાઈ પણ કરવામાં આવી હતી. ડીસાના વાડી રોડ વિસ્તારના લોકોની 30 વર્ષ બાદ સમસ્યાનો હલ થતાં તેઓએ પણ ETV Bharat નો આભાર માન્યો હતો.