બનાસકાંઠા : ડીસાના માલગઢ ગામે પિતાએ જ પોતાના પાંચ બાળકો અને તેની માતાને લસ્સીમાં ઝેરી પ્રવાહી આપી પોતે પણ આત્મહત્યા કરવાની કોશિશ કરી હોવાની ઘટના બની છે. ઘટનાને પગલે તમામ અસરગ્રસ્ત લોકોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે હોસ્પિટલમાં સુવિધાઓના અભાવે અસરગ્રસ્તોને વધુ સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.
શું છે સમગ્ર ઘટના : ડીસા તાલુકાના માલગઢ ગામે એક જ વાલ્મિકી પરિવારના સાત લોકોએ સામૂહિક આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. માલગઢ ગામે રહેતા નગુ વાલ્મિકી મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. એક મહિના પહેલા જ તેમની પત્ની નંદા વાલ્મિકીનું અવસાન થયું હતું, ત્યારબાદ ગત મોડી રાત્રે નગુભાઈ પત્નીના વિરહ અને કામના પ્રેસરને લઈ માનસિક અસ્વસ્થ રહેતા હતા. તે દરમિયાન ગત મોડી રાત્રે નગુ વાલ્મિકીએ તેમની માતા, બે દીકરી અને ત્રણ દીકરાઓને લચ્છીમાં જંતુનાશક દવા ભેળવીને પીવડાવી દીધા બાદ તેમણે પોતે પણ ઝેરી પ્રવાહી ગટગટાવી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.
આસપાસના લોકો દોડી આવ્યા : ઘટનાની જાણ થતા જ આજુબાજુમાં રહેતા પાડોશીઓ દોડી આવી તમામ અસરગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ કરી હતી. સામૂહિક આત્મહત્યા થઈ હોવાની ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સના પાયલોટ સંજુ ચૌધરી સહિતની ટીમ અને પોલીસ પણ તાત્કાલિક માલગઢ ખાતે પહોંચી હતી. તમામ અસરગ્રસ્ત લોકોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ જરૂરી તબીબી સાધનો અને ડોક્ટરના અભાવે તમામ અસરગ્રસ્ત લોકોને વધુ સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.
જિલ્લા કક્ષાની હોસ્પિટલનો દરજ્જો : ઉલ્લેખનીય છે કે, ડીસાની સરકારી હોસ્પિટલને જિલ્લા કક્ષાની હોસ્પિટલનો દરજ્જો તો મળી ગયો છે, પરંતુ હજુ સુધી પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ થઈ નથી. જેમાં ખાસ કરીને ફિઝિશિયન ડોક્ટર, સોનોગ્રાફી મશીન, સીટી સ્કેન, આઇસીયુ સહિતની સુવિધાઓ ન હોવાના કારણે રોજબરોજ અહીં આવતા અનેક દર્દીઓને સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવે છે, ત્યારે ડીસાની સરકારી હોસ્પિટલને હવે જિલ્લા કક્ષાની હોસ્પિટલનો દરજ્જો મળ્યા બાદ અહીં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી તેવી લોકોની માંગ છે.ડીસાના માલગઢ ગામની આ ઘટના છે, જે નગુભાઈ વાલ્મિકી તેમના પાંચ સંતાનો અને માતા સાથે રહે છે. તેમની પત્નીનું એક મહિના અગાઉ મૃત્યુ થયું હતું. ત્યારથી તેઓ માનસિક પ્રેશરમાં હતા. ઘરમાં બીજું કોઈ કામ કરવા વાળું હતું નહીં, એટલે એક પ્રકારે પ્રેશર રહેતું હતું તેવુ તેમની માતાએ નિવેદનમાં જણાવ્યું છે. તેઓ રાત્રે બાળકો માટે લચ્છી લઈ આવ્યા હતા અને તેમાં ઝેર ભેળવીને તમામને પીવડાવી દે છે. પોલીસના ધ્યાને આવતા જ તાત્કાલિક તમામ લોકોને સારવાર માટે ખસેડાયા છે, અત્યારે તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે અને તમામની તબિયત સુધારા પર છે. - અક્ષય રાજ મકવાણા (જિલ્લા પોલીસ વડા)
ETV ભારતની ટીમ પહોંચી માલગઢ ખાતે : ETV ભારતની ટીમ માલગઢ ગામે તેઓના ઘરે પહોંચી હતી અને કઈ રીતે આ ઘટના બની છે તેનો તાગ મેળવવાની કોશિશ કરી હતી, ત્યારે તેમના ઘરે કોઈ ન હતું. માત્ર તેમના ઘરે લોક મારેલો હતો અને દરવાજો બંધ હતો. તેમના વિસ્તારના આશાબેન તે હાજર હતા. તેમની સાથે વાત કરતા આશા બહેને જણાવ્યું હતું કે, અમને અત્યારે વહેલા જાણવા મળ્યું કે, રાતના ત્રણેક વાગે આ લોકોએ કંઈ ઝેરી પ્રવાહી ખાધું હોય તેવું જાણવા મળ્યું હતું, ત્યારબાદ બધા દોડી દોડીને આવ્યા અને તેમને ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં વધુ સારવાર માટે તેમને પાલનપુર લઈ ગયા છે. થોડા સમય પહેલા તેમના વાઈફ ગુજરી ગયા હતા. જેથી ઘરમાં કામ કરવા વાળું કોઈ હતું નહીં અને છેલ્લા કેટલાક સમયથી તેમનું મગજ ઓછું કામ કરતું હતું. તેથી તેમને પરિવાર સાથે ઝેરી દવા પી આત્મહત્યા કરવાની કોશિશ કરી હોય તેવું લાગી રહ્યું છે.
- Ahmedabad Crime : પતિએ પત્નીને નોકરી કરાવવા 3 માસની દીકરીને હરિયાણા મૂકી, એટલી હદે ત્રાસ આપ્યો કે પત્નીએ કરી લીધી આત્મહત્યા
- Ahmedabad Crime : જમાઈને આત્મહત્યા માટે મજબૂર કરી ફરાર થયેલો શિકારી પરિવાર ઝડપાયો, કેમ જીવન ટૂંકાવ્યું જૂઓ
- Ahmedabad News : પત્ની સાથે ઝઘડો થતા બ્રિજ પર આત્મહત્યા કરવા પહોંચ્યો યુવક, ફાયરે આ રીતે બચાવ્યો જીવ