રાજ્ય સરકારે ગુજરાતને કુપોષણ મુક્ત કરવાના હેતુથી તમામ આંગણવાડી કાર્યકરોને સ્માર્ટ ફોન આપ્યા છે. આ સ્માર્ટફોન મારફતે ગાંધીનગરથી મહિલા અને બાળવિકાસ વિભાગની કામગીરી પર સીધી નજર રાખી શકાય, પરંતુ મોટાભાગની આંગણવાડી કાર્યકરોની સ્માર્ટફોનનો ઉપયોગ કરતા આવડતું નથી.
સોમવારના રોજ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પણ તેરમીનાળા વિસ્તારમાં આવેલા આંગણવાડી કેન્દ્રમાં મુલાકાત લીધી હતી અને રિયાલિટી ચેક કરતા બનાસકાંઠા જિલ્લામાં અને ખાસ કરીને ડીસા સેન્ટરમાં હજુ સુધી આ સ્માર્ટફોનનો ઉપયોગ કઇ રીતના કારવો તે સંપૂર્ણ શીખવાડવામાં આવ્યું નથી, અત્યાર સુધી સ્માર્ટફોન પરની કામગીરી અંગે ત્રણ તબક્કાની ટ્રેનીંગ અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે.
ચાર તબક્કાની ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ જ સ્માર્ટ ફોનનો ઉપયોગ સંપૂર્ણપણે આંગણવાડી કાર્યકરોને ફાવી જશે તેમ અહીંના કાર્યકરે જણાવ્યું હતું વધુમાં આ સ્માર્ટ ફોનના ઉપયોગથી આંગણવાડીની તમામ પ્રકારની માહિતી સરળતાથી ઉપલબ્ધ બની રહેશે તેમ પણ કાર્યકરોનું માનવું છે.