બનાસકાંઠાઃ સમગ્ર ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ વર્ષથી બટાકાના ભાવ દિનપ્રતિદિન તળિયે જતા હતા. જેના કારણે બટાકાની ખેતી કરતા ખેડૂતો અને વેપારીઓ દેવાદાર બની ગયા છે. ત્યારે ચાલુ વર્ષે થાકેલા ખેડૂતોએ બટાકાનું વાવેતર ઘટાડી દેતા ઉત્પાદન ઘટ્યું છે.
આ સાથે જ કોરોના મહામારીના કારણે થયેલા લોકડાઉનના કારણે નોનવેજ ખાનારા લોકો પણ વેજ તરફ વળ્યા છે. જેના કારણે ભાવ હાલ આસમાને પહોચ્યા છે. જુલાઈ અને ઓગષ્ટની શરૂઆતમાં કોલ્ડસ્ટોરેજમાં પડેલા બટાકા પ્રતિ કિલો 16થી 20 રૂપિયામાં વેંચાઈ રહ્યા છે. સારી ગુણવતાવાળા બટાકાનો ભાવ 20થી 23 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત બીલ્ટી (80 કિલો)ના ભાવ રૂપિયા 1600થી 2000 રૂપિયા થઈ રહ્યા છે. આ ભાવ ખેડૂત અને વેપારીને વર્ષો બાદ મળી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે, હાલના સમયમાં વાવેતર ઘટ્યું છે અને બટાકાની માંગ વધતા ભાવ વધ્યા છે.
કોલ્ડસ્ટોરેજના ચેરમેનનું માનવું છે કે, સ્ટોક ઘટ્યો છે. સાથે દેશમાં લોકડાઉન અમલમાં આવતા નોનવેજ ખાનારા લોકો વેજ તરફ વળ્યાં છે. જેના કારણે પણ ભાવ વધ્યા છે. જુલાઈ મહિના બટાકાના આ ભાવ પહેલીવાર મળી રહ્યા છે અને આવનારા સમયમાં હજુ પણ માર્કેટ સુધરે તેવું લાગી રહ્યું છે.
ગુજરાતમાં હાલ કોલ્ડસ્ટોરેજમાં 40 ટકા સ્ટોક પડેલો છે અને જે સ્ટોક આમ તો સામાન્ય ગણાય, પરંતુ જુલાઈ અને ઓગષ્ટમાં આ ભાવ પ્રથમ વખત આવતા ખેડૂત અને વેપારીના ચહેરા પર ચમક જોવા મળી રહી છે.