- સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની બેદરકારીને લીધે આદિવાસી મહિલાને જીવ ગુમાવવો પડ્યો!
- ત્રણ દિવસ સુધી દાંતા તાલુકાના કાસા ગામની આદિવાસી મહિલાના મોતની ખબર છુપાવી રાખી
- જિલ્લા કલેકટરે મામલાની ઊંડાણપૂર્વકની તપાસ કરવાની પ્રક્રિયા શરૂ કરી
બનાસકાંઠાઃ જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે સ્વ. ગલબાભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની ગંભીર ગુનાકીય બેદરકારી છતી થઈ છે. આદિવાસી પ્રસૂતા મહિલાના ગર્ભાશયના ઓપરેશનના ફોટો ગાયનેક તબીબ ડૉ. રાહુલ પટેલે વાયરલ કરી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા પ્રયાસ કર્યો હતો.
રાષ્ટ્રીય મહિલા આયોગે આપ્યા ન્યાયિક તપાસના આદેશ
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે સ્વ. ગલબાભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની ગંભીર ગુનાકીય બેદરકારી છતી થઈ છે. આદિવાસી પ્રસૂતા મહિલાના ગર્ભાશયના ઓપરેશનના ફોટો ગાયનેક તબીબ ડૉ. રાહુલ પટેલે વાયરલ કરી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા પ્રયાસ કર્યો હતો. જોકે આ મામલો રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્યા ડૉ. રાજુલાબેન દેસાઈના ધ્યાને આવતા તેમણે તાત્કાલિક જિલ્લા કલેકટરને ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે.
ડૉકટરે ઓપરેશનના ફોટા સોશિયલ મીડિયામાં કર્યા શેર
સમગ્ર ઘટનાની વિગતો મુજબ દાંતા તાલુકાના કાસા ગામની એક આદિવાસી મહિલાને બેભાન અવસ્થામાં પાલનપુર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. જ્યાં ગાયનેક તબીબ ડૉ. રાહુલ પટેલે તપાસ કરતાં જણાયું કે, મહિલાના ગર્ભમાં બાળક છે, પરંતુ ગર્ભાશયની કોથળી ફાટી ગઈ છે તેથી ડૉ. રાહુલ પટેલે ઓપરેશન કરી મહિલાના ગર્ભાશયની કોથળી નીકાળી દીધી અને આ બાબતની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા આ ઓપરેશનના મહિલાના ચહેરા સાથેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. જોકે ત્યારબાદ મહિલાની તબીબ વધુ લથડતાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી, જ્યાં 24 કલાકમાં જ મહિલાએ અંતિમ શ્વાસ લીધાં હતાં અને સમગ્ર મામલાને દબાવી આદિવાસી પરિવારજનોને સમજાવીને તાત્કાલિક રવાના કરી દીધા હતા.
સિવિલ સત્તાધીશોએ સમગ્ર ઘટનાને દબાવી દીધી
આ સમગ્ર ઘટના પર સિવિલ સત્તાધીશોએ પડદો પાડી દઇ સમગ્ર બનાવ બુધવારથી લઈ શુક્રવાર સુધી છુપાવી રાખ્યો હતો. આ સમગ્ર મામલે મીડિયામાં અહેવાલ આવતા રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમે મામલાને ગંભીરતાથી લીધો છે. રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્યા ડૉ. રાજુલાબેન દેસાઈએ આ અંગે બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલ અને જિલ્લા પોલીસ વડા તરૂણ કુમાર સાથે વાતચીત કરી સમગ્ર મામલાની ઊંડાણપૂર્વકની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. આ મામલાને જિલ્લા કલેકટરે પણ ગંભીરતાથી લઈ તપાસ પ્રક્રિયા શરૂ કરાવી દીધી છે.