- બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓની ઘટનામાં વધારો
- ધાનેરામાં મંદિરના પૂજારીની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો
- હત્યા કે આત્મહત્યા રહસ્ય અકબંધ
બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં એક તરફ કોરોના વાઇરસની મહામારીના કારણે લોકો મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે, બીજી તરફ તેની સાથે સાથે હત્યા અને આત્મહત્યાના બનાવોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં લોકો પૈસાની લેતી-દેતી અને અંગત અદાવતમાં એક પછી એક હત્યા જેવી ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી અનેક લોકોને અંગત અદાવતમાં મોતને ઘાટ ઉતારી દીધા છે. ત્યારે જે લોકો આવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે તેવા લોકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તો જ વારંવાર બનતી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકી શકે તેમ છે.
ધાનેરા તાલુકાના ધરણોધર ગામે પૂજારીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી છે. ધરણોદર ગામમાં આવેલ શંકર ભગવાનના મંદિરમાં 40 વર્ષીય રમેશ ભારતી ગોસ્વામી પૂજારી તરીકે સેવા આપતા હતા. શનિવારે બપોરના સમયે તેઓ રાબેતા મુજબ ઘરેથી મંદિરે જવા માટે નીકળ્યા હતા પરંતુ મોડી સાંજે ગામની સીમમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગે જાણ થતાં જ તેમના પરિવારજનો, આજુબાજુના લોકો અને ધાનેરા પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં પૂજારી રમેશ ભારતી ગોસ્વામીને ગળાના ભાગે ગંભીર ઇજા તેમજ બંને હાથ પાછળના ભાગે બાંધી દીધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળનું પંચનામું કરી મૃતદેહને પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તેમજ પૂજારીની હત્યા મામલે વધુ તપાસ હાથ ધરી છે.