બનાસકાંઠાઃ હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શ્રાવણ માસમાં શિવની ભક્તિનું ખૂબ જ મહત્વ રહેલું છે અને અને શ્રાવણ મહિનામાં મહાદેવના ભક્તો તેમના દર્શન માટે અલગ-અલગ મંદિરે જતા હોય છે. ત્યારે પાલનપુરથી 20 કિલોમીટર દૂર આવેલા હાથીદ્રા ખાતે પણ હર ગંગેશ્વર નામના મહાદેવ સ્થપાયેલા છે.
એવું કહેવામાં આવે છે કે, આ શિવલિંગની સ્થાપના પાંડવો દ્વારા કરવામાં આવી હતી. તેમાનું એક આ હર ગંગેશ્વર મહાદેવ પાંડવોના હસ્તે સ્થાપવામાં આવેલું હતું અને પાંડવો તેની પૂજા-અર્ચના કરતા હતા.
આ મહાદેવના દર્શન માટે શ્રાવણ મહિનામાં ખાસ ભીડ જામતી હોય છે. આ મંદિરનો ઈતિહાસ જોવામાં આવે તો વર્ષો પહેલા આ જગ્યા પર જ્યારે પાંડવો વનવાસ કરવા માટે નીકળ્યા હતા ત્યારે અહિંયા પહોંચ્યા હતા. જ્યાં શિવનું મંદિર ન હોવાના કારણે પાંડવોએ આ મંદિરની સ્થાપના કરી પૂજા અર્ચના કરી હતી. જે બાદ પાંડવો પૂજા કરી પોતાના પ્રવાસ માટે આગળ નીકળ્યા હતા. જે બાદ ચંદ્રાવતી નગરીના પરમાર વંશી રાજાઓ દ્વારા આ મંદિરનો વિકાસ કરવામાં આવ્યો હતો. પરંતુ, સમય જતા 1200 વર્ષ પહેલા આ મંદિરનો વિધવન્સ કરવામાં આવ્યો. ત્યારબાદ ફરી ઇ.સ 1956માં આ મંદિરનો જીણોદ્ધાર કરી પૂજાપાઠ શરૂ કરવામાં આવ્યા હતી. ત્યારથી આજદિન સુધી આ મંદિરે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવામાં આવે છે.
ઈ.સ. 1919માં જ્યારે આ મંદિરે દયાલપુરી મહારાજ પહોંચ્યા ત્યારે આ મંદિરનો કોઈ જ પ્રકારનો વિકાસ થયો ન હતો. બાદમાં આ મંદિરના પૂજારી દયાલપુરી મહારાજ દ્વારા આ મંદિરને પર્યટક સ્થળ તરીકે સ્થાપિત કરવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. જેથી ગુજરાત સરકારે આ મંદિરને પ્રવાસન યોજના હેઠળ આવરી લઈ તેનો વિકાસ શરૂ કરવામાં આવ્યો હતો. જેથી હાલ આ મંદિરે દર વર્ષે મોટી સંખ્યામાં ભગવાન ભોળાનાથના ભક્તો દર્શન માટે આવે છે.
આ મહાદેવ મંદિરને હાલ સરકાર દ્વારા પર્યટક સ્થળોમાં પણ સમાવેશ કરવામાં આવેલો છે. મંદિરની સાથે સાથે હાલ અહીં સુંદર બગીચો અને નાના ભૂલકાઓને રમવા માટે રમત-ગમતના સાધનો પણ મૂકવામાં આવેલા છે. જેથી પિકનિક તરીકે પણ આ સ્થળ પ્રચલિત થયું છે અને અહીં ખાસ કરીને શ્રાવણ મહિનામાં જિલ્લામાંથી અને ગુજરાતભરમાંથી દર્શન માટે લોકો આવે છે અને પીકનીક સ્થળ તરીકે પણ હાલ ઓળખવામાં આવે છે. શ્રદ્ધાળુઓ અહીં આવીને દર્શન કરીને ખુબ જ આનંદનો અનુભવ કરે છે. દર વર્ષે શ્રવણ માસમાં આ મંદિરે હજારોની સંખ્યામાં ભક્તો ભોળાનાથના દર્શન કરવા માટે આવે છે તે આ વર્ષે કોરોના વાઇરસની મહામારીના કારણે આ મંદિરે ભક્તોની પાંખી સંખ્યા જોવા મળી હતી.