ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રુપાણી, શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને બનાસકાંઠા જિલ્લાનાં શિક્ષણાધિકારી બે મિનિટ કાઢીને જરા આ સાંભળો કે ગુજરાતનું ભાવિ તમારી પાસે શું માંગી રહ્યું છે. શું વિનંતી કરી રહ્યો છે. શિક્ષણનું સ્તર સુધારવા ગુણોત્સવ અને પ્રવેશોત્વ કાર્યક્રમોની સાથે સારા ઓરડાની પણ જરુર હોય છે. સલીમગઢની શાળામાં અભ્યાસ કરતા આ બાળકને ભણવું છે. આગળ વધવું છે પરંતુ સરકાર એક ઓરડો તો સારો આપે....
2015માં કુદરતી હોનારતમાં સલીમગઢની શાળાને નુકશાન થયુ હતું. શાળાના જર્જરીત મકાનમાં બાળકોને ભણાવવા જોખમકારક છે. શાળાના શિક્ષક પરાગભાઈ પટેલે ઓરડા રિપેરીંગ માટે જિલ્લા શિક્ષણાધિકારીથી માંડી શિક્ષણપ્રધાન સુધી પોતાની વાત પહોંચાડી છે. પણ છેવટે પરિણામ તો શુન્ય જ આવ્યું. નાછુટકે બાળકોને ઓરડાની બહાર ખુલ્લામાં ભણાવવાની ફરજ પડે છે.
શાળાના આચાર્ય અને શિક્ષકોની સાથે-સાથે ગામના આગેવાનો અને વિદ્યાર્થીઓના વાલીઓએ પણ લાગતા-વળગતા તમામ અધિકારી-પદાધિકારીઓ સુધી પોતાની સમસ્યા પહોંચાડી છે. સ્થાનિક ધારાસભ્યને પણ અનેકવાર રજૂઆતો કરી છે. પરંતુ તેમની મુશ્કેલીઓનું નિવારણ લાવવામાં ન તો ચૂંટાયેલા નેતાને રસ છે ન તો સરકારી પગાર મેળવતા અધિકારીઓને.
બાળકોને સારા વાતાવરણમાં શિક્ષણ મળે તે માટે ગામના લોકો રજૂઆતો કરીને થાક્યા છે. સરકાર અને તંત્રનું જો આ જ પ્રકારનું વલણ રહ્યુ તો ગ્રામજનો શાળાને તાળાબંધી કરે તો નવાઈ નહી.