બનાસકાંઠા: જિલ્લામાં બનેલી નર્મદાની કેનાલો વારંવાર તૂટે છે. જ્યારે પણ વાવેતર વિસ્તારમાં પાણી છોડવામાં આવે છે, ત્યારે કેનાલમાં મસમોટા ગાબડા પડે છે અને ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય છે. અત્યાર સુધીની વાત કરવામાં આવે તો, કેનાલમાં રવિ સિઝન દરમિયાન 15થી વધુ ગાબડા પડી ચૂક્યા છે. જેના કારણે અનેક ખેતરો ધોવાયા છે.
નર્મદા નદીથી છેક બનાસકાંઠા સુધી પહોંચેલા પાણી થકી ખેતરો નવ સર્જિત થતા હોય છે, પરંતુ ભ્રષ્ટાચારની કેનાલો આ મહામૂલા પાણીનો વેડફાટ કરાવે છે. ગાબડાના કારણે ખેતરમાં ઊભેલો પાક નિષ્ફળ કરે છે. વારંવાર રજૂઆત પણ થાય છે અને વારંવાર મીડિયાના અહેવાલો પ્રસ્તુત થાય છે, પરંતુ તેમ છતાં નર્મદા નિગમ કે ગુજરાત સરકાર આ મામલે કોઈપણ નક્કર પગલાં ભરતી નથી. ભોરોલ માઈનોર કેનાલમાં ગાબડું પડ્યાને 24 કલાકથી વધુનો સમય થયો છે, તેમ છતાં હજૂ પાણીનો પ્રવાહ પણ બંધ કરાયો નથી, જેને કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-01-canal-ma-gabda-pkg-gj10014_23012020203420_2301f_1579791860_1094.jpg)
બનાસકાંઠા જિલ્લાના 6 તાલુકાઓમાં સિંચાઈ માટે નર્મદા કેનાલનું માળખું છે. જ્યારે આ કેનાલ આવી ત્યારે ખેડૂતોની અનેક આશા અપેક્ષાઓ હતી, પરંતુ કેનાલમાં થયેલા ભ્રષ્ટાચાર આજે કેનાલ રૂપી અભિશાપ બન્યો છે. કેનાલમાં ગાબડું પડતા જ લાખો લીટર પાણીનો વેડફાટ થાય છે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-01-canal-ma-gabda-pkg-gj10014_23012020203420_2301f_1579791860_578.jpg)
આ સરહદી વિસ્તાર કે જેમાં લોકો એક બુંદ પાણી માટે પણ તરસતા હતા. આ કેનાલોએ તેમની પાણીની તંગી ઓછી કરી અને બંજર જમીનને જીવનદાન આપ્યું હતું, પરંતુ આજે ભ્રષ્ટાચારના પાપે જે ગાબડા પડ્યા છે તેના કારણે પાણીનો વેડફાટ થાય છે. પાણી વેડફાય નહીં તે માટે ખેડૂતો જ્યાં પાણી ભરાય છે, ત્યાંથી પાણી ઉલેચી પાઇપલાઇન દ્વારા અન્ય ખેતરોમાં લઈ જઈને વેડફાયેલા પાણીનો ઉપયોગ કરી રહ્યા છે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-01-canal-ma-gabda-pkg-gj10014_23012020203420_2301f_1579791860_1023.jpg)
કેનાલમાં પડતા ગાબડા બાબતે થરાદના નવનિયુક્ત ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજદિન સુધી કોઈ પરિણામ મળ્યું નથી. ધારાસભ્યનો આક્ષેપ છે કે, જયારે કેનાલનું બાંધકામ થયું ત્યારે કોઈપણ પ્રકારની તકેદારી રાખવામાં આવી નથી. કોન્ટ્રાકટર અને અધિકારીઓની મિલીભગતથી બનાસકાંઠામાં માત્ર ભ્રષ્ટાચાર જ થયો છે. આ કેનાલમાં પડતાં ગાબડા તે ભ્રષ્ટાચારના પૂરાવા છે.