ડીસા: સમગ્ર ભારતભરમાં છેલ્લા 2 વર્ષથી કોરોનાવાયરસની મહામારીના કારણે અનેક ધંધા-રોજગાર પર અસર જોવા મળી રહી છે, સાથોસાથ બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાવાયરસની મહામારીના કારણે અનેક નાના-મોટા ધંધા-રોજગાર હાલ બંધ થઈ ગયા છે, ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસની સૌથી મોટી અસર ખેડૂતો પર જોવા મળી રહી છે.
ખેડૂતોને મોટુ નુકશાન વેઠવાનો વારો
બહારના રાજ્યોમાં કોરોનાવાયરસની મહામારીના (Corona epidemic) કારણે અવર-જવર બંધ થતાની સાથે જ ખેડૂતોને મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. 2 વર્ષથી સતત નુકસાનના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લાનો ખેડૂત દેવાદાર બન્યો છે. બનાસકાંઠા જિલ્લાનો ખેડૂત ખેતીની સાથોસાથ અન્ય વ્યવસાય સાથે પણ જોડાયેલો છે, પરંતુ સતત 2 વર્ષથી કોરોનાવાયરસની મહામારીના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે.
મધ ઉછેર કેન્દ્રની શરૂઆત
બનાસકાંઠા જિલ્લા પર આમતો પછાત પણાનું કલંક લાગેલું છે, પરંતુ આ પછાત માનવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો તેમનામાં રહેલી કોઠા સૂજ તેમને અન્ય જિલ્લાના ખેડૂતોથી અલગ તારવી રહી છે. અહી વાત છે ડીસા તાલુકામાં આવેલા શેરપુરા ગામના પ્રકાશ જાટની, તો પ્રકાશ જાટે અભ્યાસ માત્ર 12 ધોરણ સુધી જ કર્યો છે, પરંતુ તેમનામા રહેલી પ્રતિભાના તે ધની છે. પ્રકાશભાઈ જાટ પોતાની સવા એકર જમીન પર ચીલાચાલુ ખેતી કરવાના બદલે અત્યારે મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવી રહ્યા છે, અને વર્ષે લાખો રૂપિયાની આવક રળી રહ્યા છે. એસિયાની પ્રથમ નંબરની ડેરી એવી બનાસ ડેરીના સહયોગથી તેમને મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યું હતું.
વર્ષે 1 લાખ રૂપિયાના મધની આવક કરવા માંડ્યા
વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન બાદ પ્રકાશે બનાસ ડેરીનો સંપર્ક કર્યો, અને બનાસ ડેરીમાં મધમાખી ઉછેર કેન્દ્ર માટે 7 દિવસની તાલીમ લીધી, ત્યારબાદ પ્રથમવાર વર્ષ 2017માં તેમને પોતાના ખેતરમાં મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યું. શરૂઆતમાં પ્રકાશે તેમના ખેતરમાં માત્ર 10 બોક્ષ લગાવ્યા હતા, અને ત્યારબાદ બીજા વર્ષે 2018માં આ બોક્ષની સંખ્યા 100 કરી દીધી, અને વર્ષે 1 લાખ રૂપિયાના મધની આવક કરવા માંડ્યા.
મધ માંથી 40 લાખની આવક
શેરપુરા ગામના ખેડૂત પ્રકાશને મધમાખી ઉછેર કેન્દ્રનો (beekeeping center) વ્યવસાય ફાવી ગયો, અને ત્યારબાદ તો પ્રકાશ વર્ષે વર્ષે તેમના ખેતરમાં મધમાખીના બોક્ષ વધારવા માંડ્યા અને અત્યારે તેમના ખેતરમાં મધમાખીના 900 બોક્ષ લગાવેલા છે, અને તેના દ્વારા વર્ષે 35000 કિલો મધનું ઉત્પાદન કરી રહ્યા છે, તે ઉપરાંત હાલમાં પ્રકાશભાઈ અત્યારે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, યુ.પી જેવા બહારના રાજ્યોમાં પણ તેમની મધની પેઢીઓ રાખી રહ્યાં છે, અને તેમાંથી દર વર્ષે પ્રકાશભાઈ 40 લાખ રૂપિયાનું મધ મેળવી રહ્યા છે. પ્રકાશભાઈને આશા છે કે, આગામી વર્ષમાં તેઓ વર્ષે આ ઉત્પાદન વધારીને 45 હજાર કિલો સુધી પહોંચાડી દેશે.
કોરોના મહામારીમાં નુકશાન
આ અંગે મધની ખેતી કરતા પ્રકાશભાઈ જાટે જણાવ્યું હતું કે, મને મધની ખેતી કરવાની પ્રેરણા 2016માં દેશના વડાપ્રધાને જાહેર સભામાં ખેડૂતોને આહ્વાન કર્યું હતું કે, ખેતીની સાથે સાથ ખેડૂત શ્વેત ક્રાંતિ તરફ વળી તેનાથી એટલે પ્રેરણા લઇ 2016થી બનાસડેરીમાં 7 દિવસની ટ્રેનીંગ લીધા બાદ મારા ખેતરમાં મધની ખેતી કરવાની શરૂઆત કરી હતી, અને જોતજોતામાં એ મધમાંથી લાખો રૂપિયાની કમાણી કરવાનું શરૂ કર્યું હતું, અને હાલમાં ગુજરાત સહિત બહારના રાજ્યોમાં પણ મધની ખેતી કરી રહ્યો છું, કોરોનાવાયરસની મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી બહારના રાજ્યો બંધ હોવાના કારણે હાલમાં અમને મધ મળી રહ્યું નથી, જેના કારણે છેલ્લા 2 વર્ષમાં અમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
અન્ય ખેડૂતો પણ મધની ખેતી તરફ વળ્યા
જમીન છે માત્ર સવા એકર અને આવક લાખો રૂપિયાની ત્યારે અન્ય ખેડૂતો પણ તેમના આ વ્યવસાયથી પ્રભાવિત થાય તે નવાઈ ના કહેવાય અને અત્યારે થઈ પણ કઈક એવું જ રહ્યું છે. પ્રકાશના ખેતરમાં તૈયાર કરવામાં આવેલા મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાત લેવા માટે દૂર દૂરથી ખેડૂતો આવી રહ્યા છે, અને પ્રકાશના મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાત દશ ખેડૂતોએ પણ પોતાના ખેતરમાં મધમાખી કેન્દ્ર શરૂ કર્યા છે, અને સારી એવી આવક રળી રહ્યા છે. પ્રકાશના ખેતરે આવેલા ખેડૂતો જણાવી રહ્યા છે કે, અમે પહેલા નાની-નાની ખેતી કરી ખેતીમાં નુકસાન વેઠી રહયા હતા, પરંતુ જ્યારથી પ્રકાશભાઈના મધ ઉછેર કેન્દ્રની મુલાકાત લીધી છે, ત્યાંરથી અમે પણ મધમાખી ઉછેર કેન્દ્રની શરૂઆત કરી છે, અને હાલમાં ખેતીની સાથોસાથ મદદથી અમે લોકો પણ સારી એવી કમાણી કરી રહ્યા છીએ.
અન્ય ખેડૂતોએ પણ ખેતીની સાથોસાથ મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યા
આ અંગે શેરપુરા ગામના ખેડૂત વિકાસ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અમારા ગામના પ્રકાશ હાલમાં ખેતીની સાથોસાથ મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવી રહ્યા છે, અને જેમાંથી તેઓ દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે, તેમની પ્રેરણાથી અમે પણ ખેતીની સાથોસાથ મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યા છે, અને હાલમાં અમે અમારા ખેતરમાં દસ જેટલી મધની પેઢીઓ મૂકી શરૂઆત કરી છે.
નાનકડી જમીનમાં મોટી આવકનો સ્ત્રોત
મધમાખી ઉછેર કેન્દ્રના માધ્યમથી લાખ્ખોની કમાણી કરી રહેલા પ્રકાશથી પ્રભાવિત થઈને અન્ય ખેડૂતો પણ મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરવા પ્રેરાઈ રહ્યા છે. જિલ્લાના પ્રકાશ જાટ જે રીતે પોતાની નાનકડી જમીનનો સદુપયોગ કરીને વર્ષે લાખોની કમાણી કરી રહ્યા છે, તે પછાત બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતની નિશાની છે, અને આવા પ્રગતિશીલ ખેડૂતોના ઉત્કર્ષ માટે બનાસ ડેરી પણ ઉમદા પ્લેટ ફોર્મ પૂરું પાડી રહી છે, અને તેમની મધમાખી ઉછેર કેન્દ્રથી અન્ય ખેડૂતો પણ હાલ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
આ પણ વાંચો:
પ્રગતિશીલ ખેડૂતે મધમાખી ઉછેર કેન્દ્ર કર્યું શરૂ
ડીસા તાલુકા શેરપુરા ગામે ખેડૂત મધનું ઉત્પાદન કરી લાખો રૂપિયાની કરી રહ્યો છે કમાણી