- કોરોના વાઈરસના દર્દીઓના કારણે તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
- સમયસર સારવાર ન મળતા 2 દર્દીઓના મોત થયા હતા
- બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા કોરોના કેસો અટકાવવા તંત્ર મેદાનમાં
બનાસકાંઠા: જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હવે ખૂબ જ ચિંતાજનક હદે વધી ગયું છે અને હવે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં પરિસ્થિતિ કાબૂ બહાર છે. એક તરફ કોરોના વાઇરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે તો બીજી તરફ કોરોના વાઇરસની સારવાર માટે પૂરતી સુવિધા ઉપલબ્ધ નથી. સરકાર અને વહીવટી તંત્ર દ્વારા કોરોનાના દર્દીઓને સારવાર આપવા માટે સરાહનિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ જે ગતિથી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેટલા પ્રમાણમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં ઑક્સિજન ઘટ સર્જાઈ
બનાસકાંઠા જિલ્લામાં અત્યારે રેમડેસીવીર ઈન્જેક્શન અને ઑક્સિજનની અછત સર્જાઈ છે તો ખાનગી હોસ્પિટલમાં પણ દિવસેને દિવસે ખાલી બેડ ભરાતા જઈ રહ્યા છે. બેડની વ્યવસ્થા ખૂટી રહી છે. વર્તમાન સમયની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ઑક્સિજન ઘટ સર્જાઈ છે. જેના લીધે કોરોના વાઇરસના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર આપી શકાતી નથી. વહીવટી તંત્ર દ્વારા ખાનગી હોસ્પિટલમાં પણ હવે કોવિડની સારવાર કરવા માટે મંજૂરી આપવામાં આવી રહી છે પરંતુ પૂરતા પ્રમાણમાં ઑક્સિજન અને રેમડેસીવીર ઈન્જેક્શનની સુવિધા નથી અને તેના લીધે કોવિડની સારવાર આપવામાં મુશ્કેલી ઊભી થઈ છે.
ઑક્સિજનની જરૂરિયાત સર્જાય તો દર્દી જાય તો જાય ક્યાં...?
પરિસ્થિતિ એટલે સુધી વણસી ગઈ છે કે, કોવિડ સિવાયના જે દર્દીઓ છે તેમણે આપવા માટે પણ ઑક્સિજનનો જથ્થો નથી. જે ખૂબ જ ગંભીર બાબત છે અને આ પરિસ્થિતિ માત્ર ડીસા કે પાલનપુરની નથી પરંતુ સમગ્ર ગુજરાતમાં ઊભી થઈ છે એટલે કે દર્દીને ઑક્સિજનની જરૂરિયાત સર્જાય તો દર્દી જાય તો જાય ક્યાં...? ડીસામાં ખાનગી હોસ્પિટલમાં કોવિડ દર્દીઓને સારવાર આપી રહેલા ડો. જયેશભાઇ શાહને સરકાર દ્વારા કોવિડની સારવાર આપવા માટે મંજૂરી આપવામાં આવી છે અને ડો. જયેશભાઇ શાહ પણ અત્યારે પોતાના જીવના જોખમે કોરોનાના દર્દીઓને સારવાર આપી રહ્યા છે.ઑક્સિજનનો અભાવ હોવાના લીધે મજબૂરીથી દર્દીને સારવાર આપ્યા વગર અન્ય સ્થળ પર ખસેડવા પડી રહ્યા હોવાની પણ તેમણે કબૂલાત કરી છે.
આ પણ વાંચો: વડોદરામાં કોરોનાગ્રસ્ત દર્દીઓનો તણાવ દૂર કરવા મ્યુઝિક થેરાપી અપાઇ
હજુ પણ ગંભીર પરિસ્થિતિ ઊભી થાય તેવું ખાનગી હોસ્પિટલના તબીબો માની રહ્યા છે
સમગ્ર દેશમાં અત્યારે કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે. સરકાર કોરોના વાઈરસને અટકાવવા માટે જેટલા પ્રયાસો કરી રહ્યું છે તેટલા જ બમણા વેગથી કોરોના સંક્રમિત દર્દીઓ વધી રહ્યા છે. તેવામાં બનાસકાંઠા જિલ્લામાં પણ હવે હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાવવા લાગી છે. કોરોના વાઈરસ દર્દીઓની સારવારના સાધનોની અછત વર્તાવા લાગી છે. ખાસ કરીને વેન્ટિલેટર, ઓક્સિજન , રેમડેસીવીર સહિત બેડ પણ ખૂટી પડ્યા છે. બનાસકાંઠામાં જિલ્લામાં સૌથી વધુ કોરોના સંક્રમણ ડીસા અને પાલનપુરમાં થઈ રહ્યું છે અને અહીં રોજના 100થી પણ વધુ પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે. તેવામાં આરોગ્ય વિભાગ દ્વારા ડીસા અને પાલનપુરમાં ખાસ વ્યવસ્થા ઊભી કરી છે. પાલનપુરમાં બનાસ કોવિડ હોસ્પિટલ અને ડીસામાં જનતા હોસ્પિટલમાં થઈને 200 જેટલા દર્દીઓ માટે વેન્ટિલેટર, ઓક્સિજન , રેમડેસીવીર ઇન્જેક્શન સહિતની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. તેમ છતાં પણ જે રીતે કોરોના સંક્રમિત દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે તે જોતા આગામી સમયમાં હજુ પણ ગંભીર પરિસ્થિતિ ઊભી થાય તેવું ખાનગી હોસ્પિટલના તબીબો માની રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં પરિસ્થિતિ હવે કાબૂ
બનાસકાંઠા જિલ્લામાં પરિસ્થિતિ હવે કાબૂ બહાર પહોંચી ગઈ છે અને કોરોનાના સંક્રમણે ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધુ છે. તેવામાં આગામી સમયમાં લગ્નસરાની મોસમ શરૂ થવા જઈ રહી છે અને લગ્નસરાની આ મોસમ દરમિયાન લોકોનો એક જ સ્થળ પર જમાવડો થશે તે નક્કી છે અને તે સમય કેટલો ખતરનાક સાબિત થશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે ત્યારે આવનારા સમયમાં અતિગંભીર પરિસ્થિતિ સર્જાય તે પહેલા જિલ્લા કલેક્ટર દ્વારા સરકારની ગાઈડ લાઇનનું ગંભીરતાથી પાલન કરાવવામાં નહીં આવે તો મોટી મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે.
આ પણ વાંચો: કોરોના સંક્રમણને ધ્યાને રાખી અમદાવાદ રેલવે સ્ટેશન કરાયું સેનિટાઇઝ
સમયસર સારવાર ન મળતા 2 દર્દીઓના મોત થયા હતા
જિલ્લા કલેક્ટર દ્વારા સરકારી કર્મચારીઓને જેવા તલાટી, શિક્ષક, ગ્રામ સેવકોને આવા પ્રસંગો પર સરકારની ગાઈડ લાઇનનો ભંગ ન થાય તે માટે જવાબદારી સોંપવા માટે જાહેરનામું બહાર પાડવું પણ જરૂરી બની ગયું છે. ખાનગી હોસ્પિટલના તબીબોનું માનીએ તો, અત્યારે બનાસકાંઠા જિલ્લામાં જો કોઈ કોરોના સંક્રમિત દર્દી આવે તો તેમને દાખલ કરવા માટે પણ કોઈ હોસ્પિટલમાં જગ્યા નથી. જેનું ઉદાહરણ 15 એપ્રિલની ઘટના જ છે કે પાલનપુરની કોવિડ હોસ્પિટલોમાં જગ્યા ન હોવાથી બહાર એક કલાક સુધી રઝળ્યા બાદ કોવિડ દર્દીનું ખાનગી ગાડીમાં જ મોત થયું હતું.
બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા કોરોના કેસો અટકાવવા તંત્ર મેદાનમાં
જિલ્લામાં કોરોના મહામારીને પહોંચી વળવા માટે હવે જિલ્લા કલેક્ટરે ખાસ બેઠકોનો દોર શરૂ કર્યો છે અને બનાસકાંઠામાં પાલનપુર અને ડીસામાં કોરોના વાઈરસને વધતો અટકાવવા માટે વોર્ડ વાઈઝ વોર્ડ ઓફિસરની નિમણુક કરી છે. જેમાં વોર્ડ ઓફિસરની સાથે નગરપાલિકા અને પોલીસની ટીમ સાથે રહી કામ કરશે. આ સિવાય વધતા જતા દર્દીઓની સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં પણ કોવિડની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પ્રયાસો કર્યા છે અને અત્યારે બનાસકાંઠા જિલ્લાની 20 જેટલી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવારની વ્યવસ્થા ઉભી કરાઈ છે. એક તરફ અત્યારે હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઊભરાઈ રહી છે અને મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ થઈ જતા દર્દીઓને આમતેમ રઝળવું પડે છે. જ્યારે બીજી તરફ ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી આ બાબતને નકારી રહ્યા છે.