- 22 વિદ્યાર્થીઓને 44 ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માનિત કરાયા
- 44માંથી 30 ગોલ્ડ મેડલ સાથે દીકરીઓએ બાઝી મારી
- દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયો 16મો પદવીદાન સમારોહ
- 512 વિદ્યાર્થીઓને ડિગ્રી આપી આગામી ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવાઈ
બનાસકાંઠા : જિલ્લામાં ઉત્તર ગુજરાતના ગૌરવ સમાન દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી આવેલી છે. 1972માં સ્થપાયેલી આ યુનિવર્સિટી રાજ્યની સહુ પ્રથમ કૃષિ યુનિવર્સિટી છે, જોકે 2004માં જૂનાગઢ, આનંદ અને નવસારી કૃષિ યુનિવર્સિટી અલગ થઈ હતી.
ICARના ઉપમહાનિર્દેશક એ. કે. સિંઘની ઉપસ્થિતિમાં પદવીદાન સમારોહ યોજાયો
યુનિવર્સિટીની વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો દર વર્ષે રાજ્યપાલની હાજરીમાં પદવીદાન સમારોહ યોજાતો હોય છે. જોકે આ રાષ્ટ્રપતિની ગુજરાત મુલાકાતને લીધે રાજ્યપાલની જગ્યાએ કેન્દ્ર સરકારની ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલચર રિસર્ચ સંસ્થાના(ICAR) ઉપમહાનિર્દેશક એ. કે. સિંઘની ઉપસ્થિતિમાં આ 16મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં જુદા જુદા 22 વિભાગોના કુલ 512 વિધાર્થીઓને ડિગ્રી અર્પણ કરાઈ હતી, જેમાં 366 સ્નાતક કક્ષાના, 133 અનુસ્નાતક અને 13 વિદ્યાર્થીઓને પીએચડીની પદવી અર્પણ કરી આગામી ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવાઈ હતી. આ ઉપરાંત 22 તેજસ્વી વિદ્યાર્થીઓને કુલ 44 ગોલ્ડમેડલ ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના હાથે પહેરાવી તેજસ્વી તારલાઓનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પણ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યાં હતાં.
દીકરાઓની સરખામણીએ દીકરીઓ ચઢિયાતી પુરવાર થઇ
આ પદવીદાન સમારોહમાં તેજસ્વી તારલાઓની હરોળમાં દીકરાઓ સરખામણીએ દીકરીઓ બાઝી મારવામાં સફળ રહી હતી. 22 વિદ્યાર્થીઓને અલગ અલગ વિષયોમાં કુલ 44 ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર અપાયાં છે. જેમાંથી 30 ગોલ્ડમેડલ તો માત્ર દીકરીઓએજ મેળવ્યા, તો 14 ગોલ્ડ મેડલ દીકરાઓને મળ્યાં છે. જે અંગેની માહિતી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે આપી હતી.
કોવિડ ગાઈડલાઈન મુજબ યોજાયો સમારોહ
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ રાજ્યની નામાંકિત કૃષિ સંસ્થા છે, ત્યારે ગત વર્ષે પદવીદાન સમારોહ વર્ચ્યુલ માધ્યમથી યોજાયા બાદ 16મા પદવીદાન સમારોહમાં કોવિડ ગાઈડલાઈનનું પૂરતું ધ્યાન રખાયું હતું.
સહિયારા પ્રયાસોથી ખેડૂતોની આવક બમણી કરી શકાશે - એ. કે. સિંઘ
ICARના ઉપમહાનિર્દેશક એ. કે. સિંઘે ખેડૂતોની આવક બમણી કરવા મુદ્દે જણાવ્યું હતું કે, સહિયારા પ્રયાસોથી વડાપ્રધાનના સ્વપ્ન સમાન ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સુધી આપણે સહિયારા પ્રયાસો કરી 2026 સુધીમાં પહોંચી જઈશું.
ત્રણેય કૃષિ કાયદાઓ ખેડૂતોને પ્રગતિને પંથે લઈ જશે - એ. કે. સિંધ
કેન્દ્ર સરકારના ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલચર રિસર્ચ સંસ્થાના ડેપ્યુટી ડાયરેક્ટર એ. કે. સિંઘે ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના ત્રણેય કૃષિ કાયદાઓ ખેડૂતોની પ્રગતિ માટે અત્યંત મહત્વપૂર્ણ છે, આ કાયદાઓથી નાના ખેડૂતો પણ વિકાસના પંથે આગળ વધશે તેમ તેઓએ જણાવ્યું હતું.