બનાસકાંઠાઃ જિલ્લાના ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘ ખેડૂતોના હિત માટે બનેલું સંઘ છે. જે સંઘના હાલના ચેરમેન દશરથભાઈ ખટાણા અને મેનેજર તરીકે ઈશ્વરભાઈ દેસાઈ વહીવટ સંભાળી રહ્યા છે. તાલુકા સંઘ ઘણા સમયથી અનેક બાબતોને લઈને વિવાદમાં આવ્યું છે. જેમાં ખોટો સ્ટોક બતાવી નાણા બહાર વાપરી લેવા, વરસાદમાં સ્ટોક બગડ્યો હોવાનું કહી જિલ્લાના ખેતીવાડી અધિકારી સાથે સેટીંગ કરી લાખોનો માલ બારોબાર વેચી મારવા સહિત અનેક બાબતે વિવાદમાં છે.
સોમવારે ડીસા આસપાસના ખેડૂતો ડીસા આખોલ ખાતે સંઘની આવેલી શાખામાં સબસીડી યુક્ત મગફળી લેવા ગયેલ ત્યારે મગફળી પડી હોવા છતાં મગફળી ખરાબ છે તેવું બહાનું બતાવી મગફળી આપવાનો ઇન્કાર કરેલ જેથી ખેડૂતે ગોરબીન મગફળી ચેક કરતા સારી નીકળી જેથી ખેડૂતે મગફળીની માગણી કરેલી ત્યારે સવારે આપવાનું કહેતા ખેડૂત મંગળવારે સવારે ગયેલ ત્યારે મગફળી બાબતે પૂછતાં મગફળી વેચાઈ ગઈ હોવાનું જણાવેલ જેથી ખેડૂતને આ મગફળી બારોબાર આપી દીધી હોવાની શંકા ગય અને તપાસ કરતા સંઘના ચેરમેન ના સગાઓને બારોબાર આપી દીધાનું જાણવા મળતા આ ખેડૂતે રાજયના મુખ્યપ્રધાન અને વડાપ્રધાનને ટ્વીટ કરી સમગ્ર બાબતે તપાસ કરવા અને લોકડાઉન સમયે ખેડૂતના હક્કની સબસિડી વાળી મગફળી બારોબાર વેંચતા હોવાથી તપાસ કરવા રજુઆત કરેલી છે.
જોકે રજૂઆત બાદ સંઘના ચેરમેન અને મેનેજર દોડતા થયા અને જે ખેડૂતને મનાવવા પ્રયાસ હાથ ધર્યા પણ ખેડુતે અનેક ખેડૂતો સાથે અન્યાય થતો હોવાના લીધે સમગ્ર મામલે તપાસ કરવા અને કૌભાંડને બહાર લાવવા હવે કમર કશી છે. આ ખેડૂત ડીસાના ભડથ ગામના અર્જુનસિંહ બળવંતજી વાઘેલા હોવાનું જાણવા મળેલ.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષાય તેવા ભાવે મગફળી મળી રહે તે માટે રૂ. 2800માં વેચાતી મગફળીને 1200 રૂ, સબસીડી જાહેર કરી રૂ 1600માં વેચવા સંઘ અને મંડળીઓને બીજ નિગમ અને ગુજકોમસોલ દ્વારા આદેશ કર્યો છે. છતાં બીજ નિગમના અધિકારીની મિલીભગતથી શરૂઆતમાં જ સબસીડી વાળી મગફળીનું બારોબાર પુરા ભાવે વેચી દઈ કૌભાંડ આચરી રહ્યા છે. જિલ્લાના આ અધિકારીઓ અને ડીસા તાલુકા સંઘ સામે જિલ્લા રજીસ્ટાર અને કૃષિ વિભાગ કાર્યવાહી કરશે કે કેમ તે સવાલ ખેડૂતોમાં સતાવી રહ્યો છે.
ડીસાના ભડથ ગામના ખેડૂત અર્જુનસિંહ વાઘેલા એ ટ્વીવ કરેલ જેમાં ચેરમેન અને મેનેજર દ્વારા મગફળીનું બરોબારીયું કરાઈ રહ્યું છે. અમને પણ મગફળી આપતા નથી, શુ સરકાર તપાસ કરશે સાથે સંઘનું રેકર્ડ જપ્ત કરો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે તેવું લખવામાં આવ્યું છે, ત્યારે હવે શું આ ટ્વીટની નોંધ લઈને સરકારને બદનામ કરનાર ખેતીવાડી અધિકારીઓ અને સંઘના વહીવટ કર્તાઓને ભાનમાં લાવવા જરૂરી છે.