- પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે સમગ્ર ભારતભરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન
- પોલીસ દ્વારા 5 ધારાસભ્ય સહિત 40 કાર્યકર્તાઓની કરવામાં આવી અટકાયત
- દેશ કોંગી કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન
બનાસકાંઠાઃ સમગ્ર ભારત દેશમાં એક તરફ કોરોના વાયરસની મહામારીએ અર્થતંત્ર અસ્તવ્યસ્ત કરી દીધું છે, તો બીજી તરફ સમગ્ર ભારતભરમાં દિવસેને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં એક તરફ તમામ ધંધા રોજગારો બંધ થઈ ગયા છે, તો બીજી તરફ જે પ્રમાણે સો રૂપિયાથી પણ ઉપર ડીઝલ-પેટ્રોલનો ભાવ વધી ગયો છે, તેને લઈને હાલમાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી કોંગ્રેસે ગાંધીનગરમાં ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું, પોલીસે કરી અટકાયત
પેટ્રોલ-ડીઝલનો ભાવ ઘટાડવા વિરોધ પ્રદર્શન કર્યું
આ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના વિરોધમાં સમગ્ર ભારતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કેન્દ્ર સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. ઠેર-ઠેર ધરણા યોજી રેલીઓ કાઢી પેટ્રોલ-ડીઝલનો ભાવ ઘટાડવા વિરોધ પ્રદર્શન કર્યું હતું.
બનાસકાંઠામાં કોંગ્રેસ કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન
સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો આસમાને પહોંચી ગયા છે. આજે પેટ્રોલ-ડીઝલ 100ને પાર થઈ ગયું છે તેમજ મોંઘવારી પણ ખૂબ જ વધી ગઈ છે. જેને લઈ બનાસકાંઠાના મુખ્ય શહેર પાલનપુરના ગુરુનાનક ચોકમાં બનાસકાંઠા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ધારાસભ્યોએ હાથમાં બેનરો લઈને સરકાર સામે સુત્રોચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે
છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને ઘટાડવા માટે બનાસકાંઠા જિલ્લામાંથી તમામ કોંગ્રેસના આગેવાનો હાજર રહી, આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં જોડાયા હતા.
40 કાર્યકર્તાઓની અટકાયત
પાલનપુર ગુરુનાનક ચોક ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં પોલીસે પાલનપુર, ધાનેરા, દાંતા, થરાદ, દિયોદરના કોંગ્રેસના ધારાસભ્યો અને 40 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
આ પણ વાંચોઃ દમણમાં પેટ્રોલના ભાવ કરતા ડીઝલના ભાવ વધુ, ડીઝલના ભાવ 91.82 રુપિયા પર
અટકાયત કરતા સમયે પોલીસ અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયુ
જો કે, કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકર્તાઓની અટકાયત કરતા સમયે પોલીસ અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેથી કોંગ્રેસના નેતાઓ તેમની અટકાયતને ગેરવ્યાજબી ગણાવી હતી. પોલીસે સરકારના ઈશારે તેમનું વિરોધ પ્રદર્શન અટકાવ્યું હોવાના આક્ષેપ કર્યા હતા.