બનાસકાંઠા: ડીસા નગરપાલિકા પ્રથમ ટર્મના બોર્ડની મુદત આગામી તારીખ 15 સપ્ટેમ્બર 2023 ના રોજ પૂરી થતી હોય અઢી વર્ષ માટે નવા પ્રમુખ ઉપ પ્રમુખની નિમણૂક માટે ભાજપ દ્વારા ડીસા માર્કેટ યાર્ડ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપના પ્રદેશ નિરીક્ષક મયંકભાઈ નાયક, અશોકભાઈ જોશી અને જયશ્રીબેન દેસાઈની ટીમ પ્રમુખ ઉપપ્રમુખની દાવેદારોને વન ટુ વન રૂબરૂ બોલાવી ચર્ચા કરી સેન્સ લીધા હતા.
"આજે અહીંયા ડીસા ખાતે છે. મારી સાથે જિલ્લાના મહામંત્રી સંજયભાઈ શહેર અધ્યક્ષ નગરપાલિકાની આખી ટીમ બધા જ લોકો સારા વાતાવરણમાં ભારતીય જનતા પાર્ટીના કોઈપણ ઉમેદવાર બનાવો તો ભારતીય જનતા પાર્ટી બધા સાથે સહમત છે. એ પ્રકારનું સરસ વાતાવરણમાં સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે.."--મયંક નાયક ( ભાજપ પ્રદેશ નિરીક્ષક)
દાવેદારી નોંધાવી: ડીસા પાલિકામાં અઢી વર્ષની ટર્મ માટે સામાન્ય મહિલા અનામતની બેઠક પ્રમુખ પદ માટે તેમજ ઉપપ્રમુખ પદ માટે પુરુષ ઉમેદવારોની બેઠક છે. જેથી ભાજપની 13 મહિલા કોર્પોરેટર તેમજ અપક્ષની 6 મહિલા કોર્પોરેટર પ્રમુખ બનવા માટે પોતાની દાવેદારી નોંધાવી હતી. ડીસા નગરપાલિકામાં કોર્પોરેટરોમાં વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યનું ગ્રુપ તેમજ અન્ય એક ગ્રુપ પ્રમુખ બનવા માટે થનગની રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ ગ્રુપ દ્વારા સભ્યોને પોતાની તરફ કરવા ખેંચતાણ ચાલી રહી છે. ત્યારે હવે ભાજપ કોના પર પસંદગીનો કળશ ઢોળે છે તે આગામી સમયમાં જ ખ્યાલ આવશે.
બનાસકાંઠામાં 11 ટીમોના દરોડા: બનાસકાંઠાના ડીસામાં આજે ફરી ખાણીપીણીના વેપારીઓને ત્યાં તંત્રની કુલ 11 ટીમોએ દરોડા પાડ્યા હતા.અખાદ્ય ચીજવસ્તુઓ મળી આવતા દુકાનદારો અને વેપારીઓને દંડ ફટકાર્યો હતો.જ્યારે શાળાની બાજુમાં ગુટકા, તમાકુનું વેચાણ કરતા દુકાનદારોને પણ દંડ ફટકારી માલ જપ્ત કરવામાં આવ્યો હતો.