પાલનપુર : જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં જૂની RTO સર્કલ પાસે એલિવેટેડ બ્રિજનું કામ છેલ્લા દોઢથી બે વર્ષથી ચાલી રહ્યું હતું. જ્યારથી આ કંપનીએ કામ ચાલુ કર્યું છે ત્યારથી જ અવારનવાર આ કંપનીની બેદરકારી સામે આવતી હતી. ત્યારે અનેક વાર મીડિયા દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા અને કંપનીને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ કંપની દ્વારા કોઈપણ પ્રકારની ગંભીરતા લીધા અને સેફટી વગર કામ કરવામાં આવતું હતું. બ્રિજના કામ દરમિયાન બ્રિજ નીચેથી વાહનો પણ પસાર થતા હતા જેની પણ કોઈ સેફ્ટી ન હતી. ત્યારે 2 દિવસ પહેલા RTO સર્કલ પાસે બપોર બાદ અચાનક એકાએક સ્લેબ ધરાસાયી થતા બે યુવકોના મોત થયા હતા.
પરિવારે જે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને પરિવારની જે માંગણીઓ હતી તે માંગણીઓ તંત્ર દ્વારા સ્વીકારવામાં આવી છે. તેમની માંગણી હતી કે, આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવે. ત્યારે તાત્કાલિક ધોરણે જીપીસી કંપનીના 11 લોકો સામે ફરિયાદ દાખલ કરીને હાલમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતકોની લાશને તેમના વાલી વારસાને સુપ્રીત કરવામાં આવી છે. - D.T ગોહિલ, DYSP દિયોદર
પરિવારે મૃતદેહ સ્વિકારવાની ના કહિ : તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરીને આ બંને યુવકોના મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે મોકલ્યા હતા. ત્યારબાદ પરિવારને મૃતદેહ સોંપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પરિવાર એક જ માંગ કરી રહ્યું હતું કે, અમારા દીકરાએ જીવ ગુમાવ્યો છે માટે જે કંપનીના ડિરેક્ટરો અને એન્જિનિયરો છે તેમની સામે કડકમાં કડક સજા થવી જોઈએ અને તાત્કાલિક ધોરણે ફરિયાદ દાખલ થાય, તો જ અમે મૃતદેહ સ્વિકારીશું. તેમ છતાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કોઈ જાતના પગલાં ન ભરાતા ગણતરીના સમયમાં દૂર દૂરથી આમ મૃતકોના સગા સંબંધીઓ આવ્યા હતા અને સિવિલમાં ધરણા કર્યા હતા.
પાલનપુરમાં ખરાબ ઘટના બની છે. જે દીકરાઓના મોત થયા છે તેમને હું મારા જ દીકરાઓ ગણું છું અને મને પણ ખૂબ દુઃખ છે એ વાતનું કે બંને યુવકોના આ સ્લેબ પડવાના કારણે મોત થયા છે. એમનો પરિવાર કોઈપણ બાબતની ચિંતા ન કરે અમે તેમના પરિવારના સાથે જ છીએ અને તેમને જણાવ્યું હતું કે કામગીરી દરમિયાન અમારા ત્રણ એન્જીનીયરો પણ ત્યાં હાજર જ હતા. બ્રિજ ઉપર 6 ગડર ચડાવેલા હતા જેના ક્રોસ ગડરની એક્ટિવિટી ચાલુ હતી તે દરમિયાન આ દુખદ ઘટના બની છે. - ગણેશ ચૌધરી, MD GPC ઇન્ફા કંપની
11 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી ; મૃતકના સગા સંબંધીઓની મહિલાઓએ સિવિલ આગળ આવેલા સીમલા ગેટ વિસ્તારની ચોકડી પર ચક્કાજામ કર્યો અને રસ્તો બંધ કરીને સૂત્રોચાર કર્યા હતા. કંપની સામે ફરિયાદ દાખલ થવી જોઈએ અને અમને ન્યાય મળવો જોઈએ. ત્યારે પોલીસની ભારે સમજાવટ બાદ મામલો શાંત પાડ્યો હતો અને કંપનીના 11 લોકો સામે ફરિયાદ દાખલ કર્યા બાદ પરિવારે મૃતદેહનો સ્વીકાર્ય હતી.