પાલનપુરઃ કોરોના ધીમે ધીમે ગુજરાતમાં અજગરી ભરડો લઇ રહ્યો છે, ત્યારે લોકોને ગંભીરતા ના લાગતી હોય તેમ છાપીના માર્ગો પર ફરતા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. છાપીના ગ્રામ્ય વિસ્તાર મેતા, બસુ, પિરોજપુરા, મજાદર, માહીમાં તો લૉકડાઉનનો છેદ ઉડાડવામાં આવી રહ્યો છે.
જેથી છાપી પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં લૉકડાઉનની અમલવારી માટે સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યુ છે. ડ્રોન કેમેરાની મદદ લઇ જાહેરનામાનો ભંગ કરતા ઇસમો સામે લાલ આંખ કરવામાં આવી છે. જાહરનામાનો ભંગ કરતા ૩૦ કરતા વધુ લોકો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ૫૦ કરતા વધુ વાહનો ડિટેન કર્યા હોવાનું પણ જણાઇ રહ્યુ છે.
આ ઉપરાંત છાપી પોલીસ ડ્રોન કેમેરાની મદદથી ટોળેવળી કે એકલ- દોકલ રખડપટ્ટી કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ટોળેવળી બેસી રેહતા લોકો ઘરમાંજ પુરાઇ રહેવા મજબુર બન્યા છે.
ડી.વાય.એસ.પી. જનકાતના જણાવ્યા અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં ગલીઓમાં લોકો ફરતા હોવાનું અને ટોળેવળી બેસી રહેતા હોવાનું ધ્યાને આવતા કડક પેટ્રાલિંગ શરૂ કર્યુ છે. જ્યારે ડ્રોન કેમેરાની મદદથી લેવાયેલા દ્રશ્યોમાં જયા પણ લોકોના ટોળા જોવા મળશે ત્યા પોલીસ જઇને જાહરનામાનો ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરી લૉકડાઉનની કડક અમલવારી કરવામાં આવશે.