- 125મી જન્મજયંતીની દેશભરમાં થઈ રહી છે ઉજવણી
- ભાજપ તેમજ કોંગ્રેસ બંન્ને પક્ષોએ નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ફુલહાર
- કેન્દ્ર સરકારે નેતાજીના જન્મદિવસને પરાક્રમ દિવસ તરીકે કર્યો છે જાહેર
બનાસકાંઠા: જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં નેતાજીના હુલામણા નામથી જાણીતાં સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતીની ઉત્સાહપૂર્વક માહોલમાં ઉજવણી કરાઈ હતી. ભાજપ તેમજ કોંગ્રેસ બંન્ને પક્ષોએ નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ફુલહાર પહેરાવી નેતાજીના પરાક્રમોને યાદ કર્યા હતાં.
આઝાદ હિન્દ ફોજની રચના કરનારા ભારતની આઝાદીના મહાન લડવૈયા હતા નેતાજી
23 જાન્યુઆરી 1897માં ઓરિસ્સાના કટક ખાતે સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો હતો. પિતા જાનકીનાથ અને માતા પ્રભાદેવીના પુત્ર સુભાસચંદ્રને તેમની દેશભક્તિને લીધે 'નેતાજી'નું હુલામણું નામ મળ્યું હતું. તેઓ દેશ સેવા ટ્રેન મારફતે ઘર છોડી ચાલ્યા ગયા હતા. તે કાલકા દેવી એક્સપ્રેસ ટ્રેનનું આજે નામ બદલીને 'નેતાજી સુભાષચંદ્ર એક્સપ્રેસ ટ્રેન' રાખવામાં આવ્યું છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ આઝાદીની લડતના મહાન લડવૈયા હતા. તેમણે સિંગાપોરથી દેશની આઝાદીની લડત ચલાવી હતી. તેમણે 1939માં આઝાદ હિન્દ ફોજની રચના કરી દેશની જનતાને આઝાદીની લડતમાં જોડવા પ્રેરિત કર્યા હતા. તેમનું 1945માં એક વિમાન દુર્ઘટનામાં રહસ્યમયી સંજોગોના મૃત્યુ નીપજ્યું હોવાનું મનાય છે. કેન્દ્ર સરકારે આજે શનિવારે સુભાસચંદ્ર બોઝના જન્મદિવસને દેશભરમાં 'પરાક્રમ દિવસ' તરીકે ઉજવ્યો હતો.
આખરે નેતાજીને ચશ્મા સાથે સન્માન પરત મળ્યું
પાલનપુરના કીર્તિસ્તંભ નજીક 1999ની 22મી નવેમ્બરરથી નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાં મુકવામાં આવી છે, પરંતુ સત્તાધીશો માત્ર નેતાજીના જન્મદિવસે ફુલહાર કર્યા બાદ ફરી વર્ષમાં ક્યારેય નેતાજીની પ્રતિમા સામે ડોક્યુ કરતાં નથી. જેથી થોડાં સમય પહેલાં કેટલાક ટીખડોએ નેતાજીના ચશ્માં તોડી નાખ્યા હતા તો પ્રતિમા પર પણ કબૂતરોનો આધાર જામેલો હતો. જો કે, આજે શનિવારે નેતાજીની જન્મજયંતિ હોવાથી સુભાષચંદ્ર બોઝ સમિતિ દ્વારા નેતાજીને નવા ચશ્મા પહેરાવવામાં આવ્યા હતા. તેમજ પ્રતિમાની સાફ સફાઈ કરી નેતાજીને ચશ્માં સાથે સન્માન પણ પરત મળ્યું હતુ.