- પાલનપુરના ગઠામણ દરવાજા વિસ્તારની ઘટના
- જાહેરમાં ફેંકાયો બાયોમેડીકલ વેસ્ટ
- પાલનપુર પાલિકાએ 8 તબીબોને આપી કારણદર્શક નોટિસ
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર ખાતે અંદાજીત 300 જેટલાં ખાનગી તબીબો ફરજ બજાવે છે. શહેરના ગુરુનાનક બ્રિજ નીચે આવેલા ડોકટર હાઉસમાં જ 150 જેટલાં તબીબો જ્યારે શહેરના અન્ય જુદા જુદા વિસ્તારોમાં 150 એમ કુલ 300 જેટલાં તબીબો દર્દીઓનો ઈલાજ કરે છે. મેડિકલ રૂલ્સ મુજબ બાયોમેડીકલ વેસ્ટને જાહેરમાં ફેંકવાને બદલે તેને બાળીને નાશ કરવાનો હોય છે, છતાં તબીબો લાપરવાહી દાખવી જાહેર રસ્તાઓ પર જયાં ત્યાં વપરાયેલી સિરિન્જ, દવાઓના પેકેટ ,તેમજ ઓપરેશનમાં વપરાયેલો સમાન વગેરે ફેંકી દેતા હોય છે. જે કાયદાકીય રીતે ગંભીર બેદરકારીનો ગુનો બને છે. આવો જ એક કિસ્સો પાલનપુર શહેરનાં ગઠામણ દરવાજા વિસ્તાર નજીકથી સામે આવ્યો છે. અહીં પ્રેક્ટિસ કરતા તબીબોએ બાયો મેડિકલ વેસ્ટને જાહેરમાં ફેંકી દીધાનું સામે આવતાં પાલિકાએ 8 તબીબોને કારણ દર્શક નોટીસ પાઠવી એક અઠવાડિયામાં સંતોષકારક જવાબ આપવા લેખિતમાં જણાવાયું છે.
પાલિકા દ્વારા તબીબોને નોટિસ
પાલનપુર શહેરમાં અવારનવાર આજ પ્રકારે તબીબોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવે છે. પરંતુ આવી નોટિસ આપ્યા બાદ તબીબોએ શું જવાબ આપ્યો તેમજ તેમના જવાબ સંતોષકારક હતા કે નહીં તેવી કોઈજ માહિતી પાલિકાતંત્ર દ્વારા જાહેર કરાતાં નથી અને વ્યવહાર લઈ પાલિકા આવા તબીબો સામે કોઈ જ કાર્યવાહી નહી કરતી હોવાનું પણ શહેરના પ્રબુદ્ધ નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે.