- ઉમેદવારો અને સમર્થકોના કલેક્ટર કચેરીએ ટોળા ઉમટ્યા
- ઉમેદવારો અને ટેકેદારો યોગ્ય રીતે માસ્ક પહેરવાનું પણ ભૂલ્યા
- કોરોના ગાઈડ લાઇનનું પાલન કરવા બંદોબસ્ત જરૂરી
બનાસકાંઠા: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મોટી સંખ્યામાં ટિકિટ વાચ્છુકોએ જિલ્લા કલેકટર કચેરીએ આવી ચૂંટણી ફોર્મ ભર્યા હતાં પરંતુ પાલનપુર પાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવા આવેલા ઉમેદવારો અને તેમના ટેકેદારો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડાવ્યા હતા.
સરકારની SOPનું નથી થઈ રહ્યું પાલન
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે પણ કોવિડ ગાઈડલાઈન જાળવવા સરકારે SOP જાહેર કરી છે. જેનો છડેચોક ઉમેદવારો ભંગ કરતા હોવાના દ્રશ્યો પ્રકાશમાં આવી રહ્યાં હતા. બનાસકાંઠા જિલ્લામાં ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ બે નગરપાલિકાની પેટા ચૂંટણી તેમજ બે તાલુકા પંચાયતની પેટા ચૂંટણી 28 ફેબ્રુઆરીએ યોજાનાર છે.
ઉમેદવારો અને સમર્થકો માસ્ક વિના જોવા મળ્યા
ત્યારે પાલનપુર પાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો પરંતુ મોટાભાગના ઉમેદવારો અને સમર્થકોએ યોગ્ય રીતે માસ્ક પણ નહોતું પહેર્યું, તેમજ સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ કર્યો હતો. એટલું જ નહીં કલેક્ટરે ફોર્મ ભરવા ચાર જ વ્યક્તિઓને આવવા જાહેરનામું બહાર પાડ્યું હોવા છતાં મોટી સંખ્યામાં લોકો ઉમેદવારોની સાથે આવી રહ્યાં હતા.