બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં ગુરૂવારે યોજાનારી થરાદ અને ધાનેરા નગરપાલિકાની બીજા ટર્મની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે. નાયબ કલેક્ટર રજા પર હોવાના કારણે સમગ્ર આયોજન રદ કરવામાં આવ્યું હતું.

ધાનેરામાં હાલ કોંગ્રેસ બહુમતી હોવાથી સત્તારૂઢ છે, જેની પ્રથમ ટર્મ પૂર્ણ થતાં બીજી ટર્મ માટે નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં ચૂંટણી યોજવાનું નક્કી થયું હતું. ધાનેરા નાયબ કલેક્ટરના બનેવીનું અવસાન થતા તેઓ ત્રણ દિવસ રજા પર છે. જેના કારણે ગુરૂવારે યોજાનારી ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે.
જ્યારે થરાદમાં ભાજપ પાસે બહુમતી હોવાથી અહીં ભાજપ સત્તા સ્થાને છે, જેની બીજી ટર્મ માટે યોજાનારી ચૂંટણી પૂર્વે થરાદ નાયબ કલેક્ટરની નાદુરસ્ત તબિયતના કારણે તેઓ પણ ત્રણ દિવસ રજા પર છે. આ બંને જગ્યાએ હાલ ચૂંટણી સ્થગિત કરી દેવામાં આવી છે. હવે 25 ઓગસ્ટના રોજ આ ચૂંટણી યોજાશે.
