બનાસકાંઠા: જિલ્લાના ડીસા શહેરમાં હત્યા અને આત્મહત્યાના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા એક અઠવાડિયાથી ડીસા શહેરમાં અનેક યુવાનોના શંકાસ્પદ હાલતમાં મૃતદેહો મળી રહ્યા છે. જેના કારણે ડીસા સહિત આજુબાજુના અનેક ગામોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બે દિવસ અગાઉ ડીસાના રાજપુર વિસ્તારમાં કૂવામાંથી શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો હતો. જે ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં તો ફરી સોમવારે ડીસા તાલુકાના કંસારી ગામેથી વધુ એક યુવાનનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો છે.
સોમવારે મળેલા યુવાનનો મૃતદેહ જોતા ગામલોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. યુવકની હત્યા થઈ છે કે પોતે આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસ હાલ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાની વિગત જોઈએ તો બનાસકાંઠાના કંસારી ગામે આવેલા તળાવમાંથી સોમવારે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાના પગલે ડીસા તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને પોસ્ટમાર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ વ્યક્તિ ક્યાંનો છે તેના વાલી વારસોની શોધખોળ હાથ ધરીને તેનું મોત કઈ રીતે થયું તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.