બનાસકાંઠામાં રક્તદાન કેમ્પનુ આયોજન
કોરોના કાળમાં લોકોને રક્ત મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે
મહિલાઓએ પણ કર્યું રક્તદાન
બનાસકાંઠા: રક્તદાન એ મહાદાન છે દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સંસ્થાઓ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શિબિરમાં રક્ત દાતાઓ દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન આપવામાં આવે છે. ડીસા તાલુકામાં પણ દર વર્ષે જરૂરિયાત મંદ લોકોને સમયસર રક્ત મળી રહે તે માટે યુવા સંગઠનો દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આ રક્તદાન કેમ્પમાં યુવાનો મોટી સંખ્યામાં રક્તદાન કરતા હોય છે. ડીસા ખાતે રકતદાન કેમ્પ સિવાય પણ યુવાનો દ્વારા દર વર્ષે હોસ્પિટલોમાં જરૂરિયાત મંદ લોકો ને રક્ત આપવામાં આવતું હોય છે આમ ડીસાના યુવાનો દ્વારા રક્તદાન આપી એક અનોખી સેવા કરવામાં આવી રહી છે.
ડીસાની આદર્શ સ્કૂલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
હાલમાં કોરોનાવાઇરસની મહામારી વચ્ચે રક્તની મોટી અછત સર્જાઇ રહી છે, કારણકે કોરોનાવાયરસ સામે રક્ષણ મેળવવા જે વેક્સિન આપવામાં આવી રહી છે તે વેક્સિન લીધા બાદ કોઈ પણ વ્યક્તિ રક્તદાન કરી શકતું નથી. જેના કારણે હાલમાં જરૂરિયાત મંદ લોકોને રક્ત માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કાલે રવિવારે ડીસા ખાતે કાર્યરત ડો. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા ડીસાની આદર્શ સ્કૂલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં સવારથી જ રક્તદાતાઓ રક્તદાન કરવા માટે આવ્યા હતા અને બપોર સુધીમાં 50થી પણ વધુ લોકોએ રક્તદાન કર્યું હતું.
આ પણ વાંચો : બારડોલીમાં કોરોનાની રસી લેતા પહેલા યુવાનોએ રક્તદાન કર્યું
ડીસાની અર્બુદા સ્કૂલ ખાતે યોજાયો રક્તદાન કેમ્પ
ડીસા ખાતે કાર્યરત સમર્પણ ગ્રુપ દ્વારા છેલ્લા આઠ વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે વર્ષ 2014થી સમર્પણ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી શરૂઆતમાં સમર્પણ ગ્રુપ દ્વારા સોથી પણ વધુ લોકો રક્તદાન કેમ્પમાં જોડાઈ રક્તદાન કર્યું હતું. છેલ્લા આઠ વર્ષથી કાર્યરત આ ગ્રુપ દ્વારા દર વર્ષે વિવિધ સેવાકિય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે. હાલમાં કોરોનાવાયરસની મહામારીમાં જે પ્રમાણે રક્તની અછત સર્જાઇ રહી છે તેને પહોંચી વળવા માટે રવિવારે ડીસાની અર્બુદા સ્કૂલ ખાતે સમર્પણ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં સવારથી જ રક્તદાતાઓ મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે પહોંચ્યા હતા અને એક દિવસમાં 100થી પણ વધુ રક્તદાતા હોય રક્તદાન કર્યું હતું.