- થરા નગરપાલિકામાં ફરી એકવાર ભાજપે બહુમતી સાથે શાસન સંભાળ્યું
- થરા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપના 20 અને કોંગ્રેસના ચાર ઉમેદવારો વિજયી બન્યાં
- થરા નગરપાલિકામાં ભાજપ સત્તા જાળવી
થરાઃ કાંકરેજ તાલુકાની થરા નગરપાલિકામાં (Thara municipal elections) ભાજપ સત્તા જાળવી રાખવામાં સફળ થયું છે. થરા નગરપાલિકાની કુલ6 વોર્ડની 24 બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. ચૂંટણી યોજાય તે પૂર્વે જ વોર્ડ નંબર ત્રણ ની 4 બેઠકો પર ભાજપ બિનહરીફ વિજેતા થતાં જ ભાજપ માટે સત્તાનો માર્ગ મોકળો બની ગયો હતો. ત્યારે 2 દિવસ અગાઉ થરા ખાતે યોજાઈ હતી. જેમાં મતદારોએ સારું મતદાન કરતા 73 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.ત્યાર બાદ 20 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં આજે ભાજપે 16 બેઠકો પર જીત હાંસલ કરી હતી આમ 24માંથી કુલ 20 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. જ્યારે કોંગ્રેસ માત્ર 4 બેઠકો પર જીત મેળવી સંતોષ માનવો પડ્યો હતો. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી. આમ થરા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનાં રકાસ થઈ ગયો છે.
કાર્યકરોમાં ખુશીનો માહોલ
થરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીતથી કાર્યકરોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે થરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે સત્તા જાળવી રાખવામાં સફળ થતાં જ કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો હતો. આ અંગે ભાજપના વિજેતા બનેલા ઉમેદવારોએ જણાવ્યું હતું કે થરા મતવિસ્તારના લોકોએ ફરી એકવાર ભાજપના ઉમેદવાર ઉપર વિશ્વાસ મૂકી જંગી બહુમતીથી વિજય બનાવ્યા છે. ભાજપ દ્વારા નગરપાલિકાના શાસનકાળ દરમિયાન કરવામાં આવેલા વિકાસના કામોને ફરી એકવાર વેગ મળી રહે તે માટે થરા નગરપાલિકાની જનતાએ ભાજપને સ્પષ્ટ બહુમતી ફરી એકવાર નગર પાલિકાનું શાસન આપી છે. આજે ભાજપના ઉમેદવારો વિજય બનતા ઠેર-ઠેર લોકોએ ઉમેદવારોનો ફૂલહારથી સ્વાગત કર્યું હતું.
ધાનેરામાં કોંગ્રેસ વિજેતા
ધાનેરા નગરપાલિકામાં પણ પૂર્વ નગર પ્રમુખ જગલબેન ઠાકોરનું કોરોના કાળમાં નિધન થતા આજે ધાનેરા નગરપાલિકામાં વોર્ડ નંબર 4ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. જેમાં વોર્ડ નંબર 4 માંથી ઇન્દુબેન ઠાકોરનો 227 વોટથી વિજય થયો હતો. ધાનેરા નગરપાલિકા ચૂંટણીમાં ઈન્દુબેન ઠાકોરનો વિજય થતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી હતી અને તમામ કાર્યકર્તાઓએ ઈન્દુબેનને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પણ વાંચોઃ થરા નગરપાલિકાની ચૂંટણી માટે 20 બેઠકો પર મતદાન, ભાજપ અને કૉંગ્રેસે કર્યો જીતનો દાવો
આ પણ વાંચોઃ બનાસકાંઠાઃ થરાના રુવેલ ગામેથી સગેવગે કરાતો સસ્તા અનાજનો જથ્થો મામલતદારે ઝડપી પાડ્યો