બનાસકાંઠાઃ દિયોદર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી 14 ઓક્ટોબરના રોજ યોજાવાની છે. જેની મતગણતરી 15 ઓક્ટોબરના રોજ થશે. આ ચૂંટણી માટે આજથી એટલે કે શનિવારથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે જ સત્તાધારી પેનલની સામે પરિવર્તન પેનલે પણ મજબૂતાઈથી ચૂંટણીમાં જંપલાવી ઉમેદવારીપત્ર ભર્યું હતું.
દિયોદરના ધારાસભ્ય શિવાબા ભુરીયા અત્યાર સુધી માર્કેટિંગ યાર્ડના ચેરમેનનું પદ સંભાળતા હતા. તેમણે શનિવારે 14 ઉમેદવારી ફોર્મ ભર્યાં છે. જેમાં 10 ખેડૂત વિભાગ અને 4 વેપારી વિભાગ સામેલ છે. આ સાથે જ તેમણે ફરી માર્કેટિંગ યાર્ડનું ચેરમેન પદ જીતવાનો દાવો કર્યો છે.
આ વખતે સત્તાધારી પેનલની સામે પરિવર્તન પેનલે પણ ચૂંટણીમાં ઝંપલાવી પડકાર ફેંક્યો છે. જેમાં દિયોદર સહકારી સંઘના ચેરમેન અને ભાજપના આગેવાન ઈશ્વર તરકે પણ આ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં પોતાની પેનલ ઉતારી છે. તેમણે પણ આજે એટલે કે શનિવારે ખેડૂત અને વેપારી વિભાગમાંથી 14 ઉમેદવારીપત્રો ભર્યાં છે. આ સાથે જ તેમણે પણ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
આ વખતની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળશે. કારણ કે, એક તરફ દિયોદર કોંગ્રેસ અગ્રણી અને ધારાસભ્ય શિવાબા ભુરીયાની પેનલ છે, તો બીજી તરફ ભાજપ અગ્રણી અને દિયોદર સહકારી સંઘના ચેરમેનની પેનલ છે.