બનાસકાંઠા: જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે તો અનેક જગ્યાએ પતરા અને નળિયા ઉડ્યા છે. નાણી ગામ પહોંચતા લોકોએ ETV ભારત સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી. લોકોના જણાવ્યા અનુસાર દર વર્ષે તેમના ઘરોમાં પાણી ભરાઈ જાય છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની ઘરવખરીને ભારે નુકસાન થયું છે.
'અમારા ઘરમાં દર વર્ષે પાણી ભરાઈ જાય છે. 2015 અને 2017માં ભારે વરસાદ ને કારણે અમારું જીવન તબાહ થઇ ગયું હતું. હવે આ વર્ષે પણ અમારી બધી જ ઘરવખરી તણાઈ ગઈ છે. સરકારને નમ્ર અપીલ છે કે અમને સુરક્ષિત જગ્યાએ પ્લોટિંગ કરી આપવામાં આવે જેથી દર વર્ષે અમારે આ સમસ્યાનો ભોગ ન બનવું પડે.' -સ્થાનિક
લોકો સ્થળાંતરણ કરવા મજબુર: ETV ભારતની ટીમ જયારે ગામમાં પહોંચી ત્યારે લોકો સ્થળાંતરણ કરી રહ્યા હતા. લોકો પોતાની જરૂરિયાતનો સામાન પોતાના બંને હાથમાં લઈને પાણીમાં ગરકાવ થયેલા રસ્તા પરથી ગામની બહાર નીકળી રહ્યા હતા. ગામલોકો પાસે વાતચીત કરતા જાણવા મળ્યું કે જે લોકોના ઘરોમાં પાણી ભરાયા છે તે લોકોને ઊંચાઈવાળા વિસ્તારમાં લાંગથી પ્લોટીંગ કરી આપવામાં આવે. જેથી દર વર્ષે તેમને પડતી સંશયનો ઉકેલ આવે.
વિકટ સ્થિતિનું નિર્માણ: ગામના રહેતી એક મહિલા જણાવે છે કે રાત્રે સુતા હતા ત્યારે પાણી ઘરમાં ભરાઈ ગયું. રાત્રે લગભગ 2 વાગે આખું ઘર પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. હમણાં થોડા સમય પહેલા જ 5 હજારનો ખર્ચ કરીને ઘાસચારો લાવ્યા હતા હવે તે પાણીમાં તણાઈ ગયો છે. રાત્રે અચાનક પાણી ભરાઈ જતા પાડોશીની મદદ લીધી અને પશુઓને સુરક્ષિત સ્થાને ખસેડ્યા. મહિલા જણાવે છેકે તેઓ હાલ ગામની બહાર રહેવા મજબુર થયા છે પરંતુ કેટલા દિવસ ગામ અને ઘરની બહાર રહેવું?