ડીસા: બનાસકાંઠામાં પાણીની સમસ્યા છે અને પાણીની તકલીફ નિવારવા માટે આજે તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. ડીસાની બનાસ નદીમાં વર્ષોથી બેફામ ખનીજનું ખનન થઈ રહ્યું છે અને જેને લઈને નદીમાં પાણીના તળ ઊંડા ઉતરી ગયા છે અને જેને લઈને પાણીની સમસ્યા ઊભી થઈ છે. જેની ચિંતા કરતાં આજે ભારતીય કિસાન સંઘે ડીસા પ્રાંત અધિકારીને બનાસ અને સીપુ નદીમાં આડ બંધ કરી અને પાણી રોકવાની માગણી કરી હતી. તંત્રને નિર્ણય લેવા 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે અને 30 દિવસમાં સમસ્યાનો હલ નહીં થાય તો ભારતીય કિસાન સંઘ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
પ્રાંત અધિકારીએ આશ્વવાસન આપ્યું: જિલ્લા તંત્ર પણ સ્વીકારે છે કે બનાસ નદીમાં ખનીજનું બેફામ ખનન થઈ રહ્યું છે અને એ પણ સ્વીકારે છે કે બનાસકાંઠામાં પાણીની સમસ્યા છે. આજે ભારતીય કિસાન સંઘની રજૂઆતને પગલે ડીસા પ્રાંત અધિકારી કલેકટર અને સિંચાઈ વિભાગ સાથે પણ બેઠક કરશે અને આ મહત્વના પ્રશ્નોને લઈને બનાસ નદી અને સીપુ નદીમાં શું કરી શકાય અને પાણીની સમસ્યા કેવી રીતે નિવારી શકાય તથા ભૂગર્ભજળ કેવી રીતે ઊંચા આવે તે બાબતે ચર્ચા કરી અને પાણીની સમસ્યા હલ કરવાના પ્રયત્નો હાથ ધરાશે.
બનાસ નદી અને સીપુ નદીમાં આડ બંધ બનાવવા માંટે આવેદનપત્ર આપવામાં આવેલું હતું. દિવસે દિવસે પાણીની સમસ્યા બનાસકાંઠામાં થોડી વિપરીત થઈ રહેલી છે તેવું એમનું જણાવવાનું હતું. એમના બોર હજાર ફૂટ જેટલા ઊંડા થઈ ગયા છે એટલે એમની અપેક્ષા મુજબ કે નદીમાં આડ બંધ બને અને પાણીના પ્રોપર સ્કીમથી પાણીના તળ ઊંચા આવે તે બાબતોની રજૂઆત હતી. જે બાબતે સરકાર પક્ષે તેમજ અત્રેથી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર તરફથી પ્રોપર પ્રયાસો કરી અને ખેડૂતોનો આ પ્રશ્નનો હકારાત્મક નિકાલ લાવવા માટે તત્પર રહીશું...નેહા પંચાલ (ડીસા પ્રાંત અધિકારી)
પંચાયત પાસેથી જમીન લો: ભારતીય કિસાન સંઘે તંત્રને નિર્ણય લેવા 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે અને 30 દિવસમાં સમસ્યાનો હલ નહીં થાય તો ભારતીય કિસાન સંઘ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. સાથે કલેકટરને વિનંતી કરતાં જણાવ્યું હતું કે જો ગામ લેવલે સરપંચને ઓર્ડર કરીને પંચાયત પાસેથી જમીન લો તો ત્યાં આગળ સબ સ્ટેશન બની શકે તેમ છે.
બનાસ બચાઓ અભિયાનમાં બનાસ નદીની અંદર પાંચથી સાત કિલોમીટરના અંતરે ચેકડેમ બને તો પાણીના તળ ઉંચા આવે. કેમકે અત્યારે જે ખનીજ ખનન થાય છેે એના હિસાબે પાણીના તળાવ ઊંડા ગયા છે. બીજી પણ અમારી એક ખાસ રજૂઆત છે કે સબ સ્ટેશન માંટે જમીન નથી તો નહિતર આવનાર સમયમાં જગ્યા પણ નહીં મળે. જે અમારા ધારાસભ્ય છે તે બોલેલા છે કે બનાસ નદી પર હું એક બંધ બનાઈશ એટલે એમને પણ અમારી નમ્ર વિનંતી છે કે એ પણ સરકારમાં રજૂઆત કરીને અમારા પ્રશ્નો હલ કરે.. મોહનલાલ માળી (ભારતીય કિસાન સંઘના પ્રમુખ)
વાયદા તો બહુ કર્યાં: તેમની સાથે આવેલા ખેડૂતોએ પણ આ મુદ્દે આવજ બુલંદ કરતાં જણાવ્યું કે જણાવ્યું હતું કે આજે આવેદનપત્ર આપ્યું છે તેનો હેતુ એવો છે કે આ બનાસ નદીમાં બે આડા બંધ બાંધવામાં આવે અને કાયમ બનાસ નદીને હરીભરી રાખે. જેથી પાણીના તળ ઊંચા આવે. સરકારે 2002 થી વાયદા તો ઘણા કર્યા જ છે પણ પાણી નથી આપ્યું.
આજ સુધી પાણી માટેના વાયદા જ કર્યા છે પરંતુ પાણી આપ્યું નથી. સીપુમાં પણ વાયદો થયો ધાનેરામાં પણ વાયદો થયો, ઝેરડામાં પણ વાયદો થયો, ડીસામાં પણ વાયદો થયો. આમ અનેક જગ્યાએ પાણી માટેના સરકારે વાયદા કર્યા છે, પરંતુ આજ સુધી કોઈને પાણી આપવામાં આવ્યું નથી. અમારી સરકારને નમ્ર વિનંતી છે કે બનાસકાંઠાની 10 લાખથી વધુ વસ્તી પાણી વગર મરી રહી છે. જેથી પાણી આડા બંધ બાંધી અને આ બનાસ નદીને જીવતી કરો અને લોકોને પાણી આપો એવી અમારી માંગણી છે... ગણેશભાઈ (ખેડૂત)
પ્રશ્નો હલ કરવા તૈયારી : ખેડૂતોની રજૂઆતોના પગલે જીસા પ્રાંત અધિકારીએ તેમની રજૂઆતોને લઇને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ચર્ચા કરવાની ખાતરી આપવામાં આવી હતી અને ખેડૂતોના પ્રશ્નનો હકારાત્મક હલ લાવવા તૈયારી દર્શાવવામાં આવી હતી.