બનાસકાંઠા : પાલનપુર તાલુકાના માનપુર ગામે વાલ્મિકી સમાજના યુવકની હત્યાનો મામલો સામે આવ્યો હતો. પત્ની સાથે આડા સંબંધ રાખતો હોવાની શંકાના આધારે યુવકે ઠપકો આપવા જતા યુવકની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે.
હત્યાનો બનાવ : બનાવની મળતી વિગત અનુસાર માનપુર ગામના મહેશ ડાહ્યાભાઈ વાલ્મીકીને મૃત્યુ પામનાર નરેશ દલાભાઈ વાલ્મીકીના કુટુંબી ભાઈ કનુભાઈ શાંતિભાઈ વાલ્મીકીની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા હતી. જેને લઈને આરોપીને નરેશ વાલ્મીકી નામના યુવકે ઠપકો આપ્યો હતો. તે બાબતનું મનદુઃખ રાખી આરોપી મહેશ ડાયા વાલ્મિકી, દિનેશ ડાયા વાલ્મિકી તેમજ ભીખા બાબુ વાલ્મિકીએ લોખંડના પાઇપ વડે નરેશભાઈ વાલ્મિકી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં તેઓએ મૃતકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી અલીગઢ ગામ નજીક ફેંકી દીધો હતો.
તપાસમાં મર્ડર કરનાર આરોપી ઝડપાઈ આવેલ છે. જેમનું નામ મહેશ ડાયાભાઈ વાલ્મિકી, દિનેશ ડાયાભાઈ વાલ્મિકી અને ભીખાભાઈ બાબુભાઈ વાલ્મિકી છે. આ ત્રણેય ઈસમોએ સાથે મળીને પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી નરેશભાઈને લોખંડના સળિયા વડે માર માર્યો હતો. જેના તે વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ બાબતે ગણતરીના કલાકોમાં પોલીસે સરહાનીય કામગીરી કરીને આરોપીઓને ઝડપી લીધા છે. તેમને જેલને હવાલે કરી અને આગળની કાર્યવાહી હજુ ચાલુ છે.-- અક્ષય મકવાણા (SP, બનાસકાંઠા)
અંગત અદાવત : આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે મૃતકના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પાલનપુર તાલુકા પોલીસે એલસીબીની મદદથી વિવિધ લોકેશન દ્વારા તપાસ હાથ ધરી હતી. હ્યુમન સોર્સ દ્વારા હકીકત મેળવી ગણતરીના કલાકોમાં માનપુર ગામના ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
આરોપીઓ ઝડપાયા : આ બાબતે જિલ્લા પોલીસ વડા અક્ષય મકવાણાએ માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, તારીખ 30-8-2023 ના રોજ પાલનપુર તાલુકા પોલીસે એક માહિતી મળી હતી. જે અનુસાર પાલનપુર તાલુકાના અલીગઢ મુકામે એક વ્યક્તિનું મર્ડર થયેલું છે. જેમાં મર્ડર થયેલ વ્યક્તિની તપાસ કરતા તેનું નામ નરેશ દલાભાઈ વાલ્મીકિ છે. આ સમગ્ર મામલે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારી અને એલસીબીની સમગ્ર ટીમ અને એલસીબીના અધિકારીઓ દ્વારા એક્શન લેવામાં આવી હતી.