બનાસકાંઠા: જિલ્લાના પાલનપુરમાં આરટીઓ સર્કલ નજીક બે દિવસ અગાઉ વહેલી સવારે એક યુવક લોહીલુહાણ હાલતમાં પડયો હોવાની માહિતી મળતા જ પાલનપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં તપાસ કરતા યુવકને માથાના ભાગે પથ્થરના ઘા મારી હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
આ ઘટના બાદ પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી મૃતકના પરિવારની શોધખોળ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તપાસ કરતાં જ મૃતક યુવક મહેશ તરાલ હોવાનું જાણવા મળતાં પોલીસે મૃતદેહને તેના પરિવારનેને સોંપી હતી અને આ મામલે પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી.
સતત બે દિવસ સુધી તપાસ કરતા હત્યા થયેલ સ્થળની આજુબાજુના લોકોની પૂછપરછ કરતા પોલીસે બે શંકાસ્પદ શખ્સની અટકાયત કરી હતી. દરમ્યાન બંન્ને યુવકોએ પોલીસની ઊલટ તપાસમાં પડી ભાંગ્યા હતા અને લઘુશંકા કરવા માટે આવેલા મહેશ સાથે બોલાચાલી થઈ હતી અને તે દરમિયાન જ ઉશ્કેરાયેલા બન્ને શખ્સોએ મહેશને માથાના ભાગે પથ્થરના ઘા મારી હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું, જેથી પોલીસે હત્યારા રોહિત ઉર્ફે કાળુ ડાભી અને ભીમા સલાટની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.