બનાસકાંઠા: વરસાદ ખેંચાતા ઉભા પાકને હાલ પાણીની વધુ જરૂર હોવાથી ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. વરસાદ ખેંચતા ખેડૂતો અને કૃષિ મંત્રીએ સરકારમાં 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાની રજૂઆત કરી હતી. જે સંદર્ભે રાજ્ય સરકારે વીજળી અને પાણી આપવાની જાહેરાત કરી છે. તેમાં બનાસકાંઠા જીલ્લાનો પણ સમાવેશ થાય છે. રાજ્ય સરકારની આ જાહેરાતથી લાખો ખેડૂતોને ફાયદો થશે પરંતુ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સરકારની આ જાહેરાતથી ખુશ નથી.
સિંચાઈ માટે પાણીની માંગ: બનાસકાંઠાના ખેડૂતોનું માનવું છે કે અત્યારે જિલ્લામાં પાણીના તળ ખુબજ ઊંડા પહોંચી ગયા છે. આ વર્ષે વરસાદ પણ ખૂબ જ ઓછો થયો છે. સરકાર ભલે 8 કલાક જ વીજળી આપે પરંતુ સિંચાઈ માટે પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. સાથે જ દાંતીવાડા ડેમ અત્યારે પાણીથી છલોછલ ભરેલો છે ત્યારે તેમાંથી સીપુ ડેમમાં પાણી નાખી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
'સરકાર વીજળીની જગ્યાએ પાણી આપે તો અમને ફાયદો થશે. દાંતીવાડા ડેમનું જે પાણી છે તે સીપુ ડેમમાં નાખવામાં આવે તો કેનાલ મારફતે અમારા ખેતરો સુધી પાણી પહોંચાડવામાં આવે તો જ ખેતી અને પશુપાલન થઈ શકે તેમ છે. સરકારે 10 કલાક વીજળી આપવાની જગ્યાએ જો બાકી ખેડૂતોના બાકી વીજળીના બીલો માગ કરે તો ખેડૂતોનું ભલુ થાય.' -સ્થાનિક ખેડૂતો
ખેડૂતોની માંગ: બીજી તરફ ખેડૂતોનું માનવું છે કે રાજ્ય સરકાર દ્વારા જે બે કલાક વીજળી વધારવામાં આવી છે. તેની જગ્યાએ ખેડૂતોના બિલ જે બાકી પડ્યા છે તે માફ કરે તો ખેડૂતો સધ્ધર બની શકે તેમ છે. દાંતીવાડા ડેમમાંથી સિપુ ડેમમાં પાણી નાખી કેનાલ મારફતે ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડવા માટે પણ ખેડૂતોએ માંગ કરી હતી. આ તરફ જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ 1200 ફૂટ જેટલા ઊંડા જતા રહ્યા છે જેના કારણે ખેડૂત ખેતી પણ કરી શકતો નથી. સરકાર બે કલાક વધુ વીજળી આપવાની જગ્યાએ બનાસકાંઠા જિલ્લામાં પાણીના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવે તે માટે ખેડૂતો જણાવ્યું હતું.