બનાસકાંઠાઃ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના શહેરી વિસ્તારમાં લોકોની અવર-જવર વધતા સંક્રમણનું પ્રમાણ વધ્યું હતું. જેના કારણે સૌથી વધુ કેસો ડીસા અને પાલનપુરમાં જોવા મળ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં સૌથી વધુ કોરોના વાઇરસના 165 કેસ નોંધાયા છે. જ્યારે બીજા નંબરે ડીસામાં 145 કોરોના પોઝિટિવના કેસો નોંધાયા છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે વધતા જતા કોરોના વાઇરસના કેસને લઇ ડીસા અને પાલનપુરના કન્ટેનમેન્ટ વિસ્તારની મુલાકાત લઇ ચાર વાગ્યા બાદ ડીસા અને પાલનપુરમાં સંપૂર્ણપણે બંધનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં સુધી તો લોકોનું સંક્રમણ વધતા દિવસેને દિવસે બનાસકાંઠા જિલ્લાના શહેરી વિસ્તારોમાં કોરોના વાઇરસના રોજના 15થી વધુ કોરોના પોઝિટિવ કેસો જોવા મળી રહ્યા છે.
તો બીજી તરફ હવે ગ્રામીણ વિસ્તારના લોકો શહેરી વિસ્તારમાં કરેલી અવર જવરના કારણે હવે આ વિસ્તારોમાં પણ કોરોના વાઇરસના 150 જેટલા કેસ મળી આવ્યા છે. જેના કારણે આરોગ્ય વિભાગમાં ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારના એવા થરાદ, વાવ, શિહોરીથી દિયોદર અને ધાનેરા જેવા ગ્રામીણ વિસ્તારોમાં વધતા જતા કોરોના વાઇરસના કારણે આરોગ્ય વિભાગમાં ચિંતાનુ ઊભી થઈ છે. હાલ તો આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લઇ આયુર્વેદિક દવાઓ તેમજ કોરોના વાઇરસના કેસોમાં ઘટાડો થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.