કચ્છ: કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં રણોત્સવ ચાલી રહ્યો છે ત્યારે દેશ વિદેશના પ્રવાસીઓ રણોત્સવ માણવાની સાથે કચ્છના અન્ય પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા માટે કચ્છ આવી રહ્યા છેે, હવાઈ માર્ગે આવતા પ્રવાસીઓની સંખ્યા પણ સારી એવી માત્રામાં છે. હાલમાં ભુજ એરપોર્ટ પર 3 ફલાઇટ ઓપરેટ થઈ રહી છે ત્યારે ભુજથી ઉપડતી ફ્લાઇટ માટે પ્રવાસીઓ બોર્ડિંગ પ્રક્રિયા માટે મોડા આવી રહ્યા હોવાથી ફ્લાઇટ મોડી ઉપડે છે અને અન્ય એરપોર્ટ પર પણ મોડી પહોંચી રહી છે.
હાલમાં ભુજ એરપોર્ટ ખાતે 3 ફ્લાઇટ ઓપરેટ: ભુજ એરપોર્ટ ખાતે હાલમાં 3 ફ્લાઇટ ઓપરેટ થઈ રહી છે. જેમાં 2 ફ્લાઇટ ભુજ અને મુંબઈ વચ્ચે જ્યારે એક ફ્લાઇટ ભુજ અને અમદાવાદ વચ્ચે ચાલી રહી છે. જેમાં અમદાવાદથી ભુજની ફ્લાઇટનો સમય બપોરે 12:15 વાગ્યે અમદાવાથી ફ્લાઇટ ઉપડે છે અને 1:25 વાગ્યે ભુજ એરપોર્ટ ખાતે લેન્ડ થાય છે. તો એ જ ફ્લાઇટ ભુજથી 1:55 વાગ્યે ઉપડે છે અને બપોરે 2:50 વાગ્યે અમદાવાદ પહોંચે છે. જ્યારે ભુજ મંબઈ વચ્ચે હાલમાં બે અલગ અલગ એરલાઇન્સની ફ્લાઇટ ઓપરેટ થઈ રહી છે.
ભુજ-મુંબઈ અને ભુજ-અમદાવાદનો ફ્લાઇટ સમય: એક ફ્લાઇટ મુંબઈથી સવારના 6:50 વાગ્યે ઉપડે છે અને 8:40 વાગ્યે ભુજ લેન્ડ થાય છે, તો એજ ફ્લાઇટ સવારના 9:05 વાગ્યે ભુજથી ઉપડે છે અને 10:55 વાગ્યે મુંબઈ પહોંચે છે. અને બીજી ફલાઇટ સવારના 6:50 વાગ્યે મુંબઈથી ઉપડે છે અને 8:05 વાગ્યે ભુજ પહોંચે છે તો આ જ ફ્લાઇટ 8:55 વાગ્યે ભુજથી ઉપડે છે અને 10:10 વાગ્યે મુંબઈ પહોંચે છે. તેના માટે મુસાફરોએ ટેક ઓફ સમયથી ઓછામાં ઓછું અડધી કલાક વહેલું પહોંચવું જરૂરી છે, કારણ કે તમામ મુસાફરોના લગેજ ચેક અને અન્ય ચેક ઈન પ્રોસેસ તેમજ બોર્ડિંગ પ્રોસેસ માટે સમય લાગતો હોય છે.
મુસાફરોને ઝડપથી ચેક ઈન અને બોર્ડિંગ પ્રોસેસ કરવા અનુરોધ: ઉલ્લેખનીય છે કે ભુજથી મુંબઈ જતી બે એર એવીએશન કંપનીની ફલાઈટના ભુજથી મુસાફરી કરતા પ્રવાસીઓ ચેક ઈન પ્રક્રિયા માટે ખૂબ મોડા આવે છે જેથી કરીને ફલાઈટના બોર્ડિંગ પ્રક્રિયામાં મોડું થતું હોય છે. આ કારણે ટેક ઓફ સમયમાં પણ મોડું થતું હોય છે અને ફલાઈટને મુંબઈ પહોંચવામાં પણ મોડું થાય છેે તેમજ અન્ય મુસાફરોને પણ મુશ્કેલી વેઠવી પડે છે. જોકે ફલાઇટને ટેક ઓફ થવામાં 10 મિનિટ જેટલું જ મોડું થતું હોય છે, પરંતુ જો મુસાફરો અન્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર જે રીતે સમયસર પહોંચીને ચેકઇન પ્રોસેસ કરે છે તે મુજબ પ્રોસેસ કરે તો વ્યવસ્થા જળવાઈ રહે.
અન્ય એરપોર્ટ પરની ચેક ઇન અને બોર્ડિંગના સૂચનો ફોલો થાય: ભુજ એરપોર્ટ ઓથોરિટીના ચીફ સિક્યોરિટી ઓફિસર રવિ કુમારે જણાવ્યું હતું કે, '11 નવેમ્બરથી રણોત્સવ શરૂ થઈ ચૂક્યો છે ત્યારથી જ ભુજ એરપોર્ટ પર પ્રવાસીઓની અવરજવરમાં વધારો થયો છે. ત્યારે દરરોજના 500થી 600 પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા છે. ત્યારે ભુજ અને મુંબઈ વચ્ચે ચાલી રહેલી એર ઇન્ડિયા અને અલાયન્સ એર ફલાઈટના મુસાફરોને ખાસ વિનંતી કરવામાં આવી છે કે તેઓ ફ્લાઇટ માટે બોર્ડિંગની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે વેહલા એરપોર્ટ પર આવે, કારણ કે ભુજ એરપોર્ટ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમી છે. જો કે હાલમાં રિનોવેશન ચાલી રહ્યું છે અને સુવિધાઓ વધારવામાં આવી રહી છે. માટે ત્યાર સુધી અન્ય એરપોર્ટ પર જે રીતે મુસાફરો સૂચનો ફોલો કરે છે કે ફલાઈટના સમયથી દોઢથી બે કલાક વહેલા આવીને તમામ ચેક ઇન પ્રોસેસ કરવામાં આવે છે એ જ રીતે ભુજના એરપોર્ટ પર જો મુસાફરો વહેલા આવીને ચેકઈન પ્રોસેસ કરશે તો ભુજથી જતી ફલાઇટ મોડી નહીં થાય.'
ચેક ઇન પ્રોસેસ માટે ઓછા કાઉન્ટર: ભુજ એરપોર્ટ પર ચેક ઈન પ્રોસેસ માટેના કાઉન્ટર ઓછા છે, તેથી તેને વધારવાં હાલમાં એરપોર્ટ પર રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. જોકે દરેક વ્યક્તિ દીઠ ચેક ઇન પ્રોસેસ માટે અંદાજે 5 મિનિટ જેટલો સમય લાગતો હોય છે ત્યારે સ્વાભાવિક છે કે ઓછા કાઉન્ટરના કારણે સમય વધુ લાગે. પ્રવાસીઓ પણ ઝડપથી મુસાફરી થાય તે માટે હવાઈ માર્ગ પસંદ કરતા હોય છે. આ માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરોને બોર્ડિંગ કરવા માટે 2 વખત એનાઉન્સમેન્ટ કરવામાં આવતું હોય છે પરંતુ અનાઉન્સમેન્ટ કરવા છતાં જે મુસાફરો બોર્ડિંગ ના કરે તેમને અંતે ડી-બોર્ડ કરવામાં આવે છે.
આ પણ વાંચો: