બનાસકાંઠાઃ જિલ્લોએ ખેતી આધારિત જિલ્લો છે. બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને ખેડૂતો ખેતી પર પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ છેલ્લા 4-5 વર્ષથી ખેડૂતો કુદરતી પ્રકોપના કારણે એક પછી એક નુકશાની વેઠવી રહ્યો છે. ત્યારે અમીરગઢ તાલુકામાં મહત્તમ આદિવાસી વિસ્તાર ધરાવે છે અને ખેડૂત પુત્રો મોટા ભાગે ખેતી કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી વરસાદની અનિયમિતાએ ખેડૂતોની કમર ભાંગી નાખી છે.
ખાસ કરીને અમીરગઢ તાલુકામાં આદિવાસી સમાજના લોકો મોટાભાગે કપાસની ખેતી કરે છે. પરંતુ ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે આ વિસ્તારમાં મોટા ભાગમાં કપાસના પાકમાં નુકસાન થયું હતું, જેના કારણે દર વર્ષની સરખામણીમાં આ વર્ષે કપાસના પાકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. સતત મંદીનો માર સહન કરી રહેલા અમીરગઢ તાલુકાના ખેડૂતો આ વખતે કમોસમી વરસાદના કારણે મોટું નુકસાન વેઠવાનો વારો આવતા હવે ઓછા ઉત્પાદન પર સારા ભાવ મળી રહે તેવી આશા કરી રહયા છે.
