- નિયામક મંડળની બેઠકમાં ચેરમેન, વાઈસ ચેરમેનની બિનહરીફ વરણી કરાઈ
- બનાસડેરીમાં ચેરમેન તરીકે ફરી એકવાર શંકર ચૌધરીની નિમણૂક
- શંકર ચૌધરીના પદગ્રહણ સમારોહમાં ભાજપના આગેવાનો અને પશુપાલકો હાજર રહ્યા
- એશિયાની સૌથી મોટી ડેરી પર ફરી શંકરભાઈ ચૌધરીનું પ્રભુત્વ
બનાસકાંઠાઃ જિલ્લોએ ખેતી સાથે પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો માનવામાં આવે છે. ખેડૂતોને વારંમવાર થતા નુકસાનના કારણે તેઓ પશુપાલન તરફ વળ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને ખેતી કરતા દૂધમાં સારા ભાવ મળતા હોવાના કારણે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો માટે એશિયાની નંબર વન બનાસ ડેરીની સ્થાપના કરવામાં આવી હતી. એશિયાની સૌથી મોટી બનાસડેરીની ચૂંટણી બિનહરીફ બન્યા બાદ બુધવારના રોજ પ્રથમ વખત નિયામક મંડળની બેઠક મળી. જેમાં ચૂંટણી અધિકારી એફ.એ.બાબીના અધ્યક્ષ સ્થાને પ્રથમ એજન્ડામાં જ ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી હતી. 16 ડિરેકટરોની હાજરીમાં ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ. જેમાં ચેરમેન તરીકે શંકરભાઈ ચૌધરી તેમજ વાઇસ ચેરમેન તરીકે ભાવાભાઈ દેસાઈ બિનહરીફ ચૂંટાયા હતા.

બનાસડેરીમાં ફરી એકવાર ચેરમેન તરીકે શંકર ચૌધરીની નીમણૂક
એશિયાની સૌથી મોટી બનાસડેરીમાં બુધવારના રોજ ફરી ચેરમેન તરીકે શંકરભાઇ ચૌધરીએ પદભાર સંભાળ્યો હતો. બુધવારના રોજ યોજાયેલી બેઠકમાં આગેવાનોની હાજરીમાં તમામ લોકોએ ચેરમેન શંકરભાઈ ચૌધરીને પોતાનું સમર્થન આપ્યું હતું. જેમાં 16 ડિરેકટરોની હાજરીમાં બનાસડેરીની ચૂંટણી સંપન્ન થઇ હતી. જ્યાં બનાસડેરીમાં ચેરમેન તરીકે શંકર ચૌધરીએ પોતાનું સુકાન સંભાળ્યું હતું અને આગામી પાંચ વર્ષ દરમિયાન બનાસ ડેરી વિકાસની વધુ પરાકાષ્ઠા હાંસલ કરે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

શંકર ચૌધરીના પદગ્રહણ સમારોહમાં ભાજપના આગેવાનો અને પશુપાલકો હાજર રહ્યા
બુધવારના રોજ યોજાયેલી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ભાજપના આગેવાનો તેમજ સહકારી આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઠાકોર સમાજના આગેવાન અલ્પેશ ઠાકોર પણ આ ચૂંટણી સમયે ઉપસ્થિત રહ્યા હતા. શંકરભાઇ ચૌધરીએ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન બનાસ ડેરીમાં કરેલા વિકાસના કામોના કારણે જ પશુપાલકોએ તેમની પર ફરી પસંદગી ઉતારી છે. આગામી સમયમાં બનાસ ડેરી વધુ વેગવંતી બનશે તેઓ તેમણે આશાવાદ વ્યક્ત કર્યો છે.

એશિયાની સૌથી મોટી ડેરી પર ફરી શંકરભાઈ ચૌધરીનું પ્રભુત્વ
બનાસડેરીની ચૂંટણીને લઇ બનાસકાંઠા જિલ્લાવાસીઓમાં છેલ્લા ઘણા સમયથી અનેક ચર્ચા વિચારણાઓ ચાલી રહી હતી. પરંતુ આ તમામ અટકળો વચ્ચે એશિયાની સૌથી મોટી ડેરી પર ફરી શંકરભાઈ ચૌધરીનું પ્રભુત્વ પ્રસ્થાપિત થયું છે. જોવાનું એ રહેશે કે દર વર્ષે 12 હજાર કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતી બનાસડેરીમાં આગામી પાંચ વર્ષ દરમિયાન શંકરભાઈ ચૌધરી બનાસ ડેરીને વિશ્વ ફલક પર કેટલી આગળ લઈ જાય છે.