- મહાદેવના નામ પરથી ગામનું નામ મહાદેવીયા પડ્યું
- મહાદેવને પ્રસાદ રૂપે લીલા શાકભાજી ચડાવવામાં આવે છે
- કોરોના મહામારીમાં મહાદેવીયા ગામે યોજાતા મેળા પર પ્રતિબંધ
બનાસકાંઠા: દરેક ગામનો કંઇક ઈતિહાસ હોય છે અને તેના ઈતિહાસના આધારે જ તે ગામનું નામ પડેલું હોય છે. ત્યારે ડીસા નજીક એક એવું ગામ આવેલું છે જેનું નામ મહાદેવ પરથી પડ્યું છે. મહાદેવિયા ગામનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો જ છે, પરંતુ આ ગામનું નામ અહીં આવેલા પ્રાચિન મહાદેવ મંદિરના કારણે પડ્યું છે. વર્ષો પહેલા જ્યારે લોકો અહીં વસવા માટે આવ્યા ત્યારે અહીં ખંડેર હાલતમાં એક શિવાલય મળી આવ્યું હતું. લોકોએ આ મંદિરનું સમારકામ કરાવીને અહીં મહાદેવના મંદિરનું નિર્માણ કરાવ્યું અને ત્યારથી આ ગામનું નામ મહાદેવિયા પડ્યું.
પીપળના સોનાના પાન પરથી મંદિરનું નામ સોનેશ્વર મહાદેવ પડ્યું
સદીયો પહેલા સાધુ સંતો ધાર્મિક ગ્રંથોનું વાંચન કરતાં હતા અને ગ્રંથોના અધ્યાય પૂરા થતાં એટ્લે સંતો ગ્રંથમાં પીપળાનું પાન મુક્તા હતા. તેવામાં એક દિવસ આ પાન સોનાનું થઈ જતાં મહાદેવનું નામ સોનેશ્વર મહાદેવ વિખ્યાત થયું હતું. બનાસ નદીના રમણીય તટ પર આવેલા સોનેશ્વર મહાદેવના ઇતિહાસ અંગે મહાદેવિયા ગામના આગેવાન જણાવે છે કે, બનાસ નદીના તટ પર વસેલા આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ પૌરાણિક છે અને શિવરાત્રિ અને શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શિવજીને રિઝવવા માટે શિવાલયની પૂજા-અર્ચના કરવા માટે આવતા હોય છે.
આ પણ વાંચો: જામનગરમાં 40મી શિવ શોભાયાત્રા યોજાઈ, હર્ષોલ્લાસ સાથે ભક્તો જોડાયા
શિવાલયમાં મીઠુ, રીંગણ ચઢાવવામાં આવે છે
ડીસા નજીક આવેલા મહાદેવિયા ગામના સોનેશ્વર મહાદેવ ખાતે પૂજા કરતાં પૂજારીએ આ પૌરાણિક મંદિરના ઇતિહાસ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, આ પૌરાણિક મંદિરમાં ભક્તો શિવજીના દર્શન કરવા આવે છે. અહી શિવાલયમાં મીઠું તેમજ રીંગણ ચઢાવવામાં આવે છે. અહી શ્રાવણ માસ દરમિયાન શિવાલયમાં આવેલા શિવલિંગ પર દૂધનો અભિષેક કરવામાં આવે છે. મંદિરે દર વર્ષે યોજાતા શિવરાત્રીનાં મેળામાં દૂર-દૂરથી લોકો પોતાની બાધા આખડી પૂર્ણ કરવા માટે આવે છે.
આ પણ વાંચો: મહાશિવરાત્રીના પાવન પર્વે ભવનાથમાં ઉમટ્યા શિવભક્તો
કોરોના મહામારીના કારણે મેળો બંધ
બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે અનેક પ્રાચીન મેળાઓ યોજાય છે. ત્યારે આ વર્ષે કોરોનાવાઈરસની મહામારીના કારણે બનાસકાંઠા જિલ્લાના તમામ પ્રાચિન મેળા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ખાસ કરીને દરેક મંદિરો પરી યોજાતા મેળાઓમાં લોકોની સંખ્યા વધારે હોય છે. ત્યારે સરકારે સંક્રમણ વધે નહીં તે માટે આ વર્ષે તમામ મેળાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. ભક્તો શિવજીના દર્શન કરી શકે તે માટે માત્ર મંદિર ખુલ્લું રાખવામાં આવશે.