- જિલ્લા મથક પાલનપુરમાં પણ ઉજવાયો આઝાદી કા અમૃત મહોત્સવ
- જિલ્લાના લોકસભા સભ્ય પરબતભાઇ પટેલની અધ્યક્ષતામાં કરાઈ ઉજવણી
- આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાયું, 'આઝાદી કા અમૃત મહોત્સવ'
પાલનપુર: 15 ઓગસ્ટ 2022ના રોજ દેશને આઝાદ થયે 75 વર્ષ થવાના હોવાથી 'આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 12 માર્ચના રોજ સાબરમતી આશ્રમથી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર રાજ્ય સહિત દેશમાં 75 સ્થળોએ 'આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીને અનુલક્ષી પાલનપુરમાં કાનુભાઇ મહેતા હોલ ખાતે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
આજના દિવસે ઐતિહાસિક દાંડીયાત્રા નીકળી હતી
ગાંધી બાપુએ આજના દિવસે એટલે કે, 12 માર્ચ 1930ના રોજ અમદાવાદથી 78 પદયાત્રીઓ સાથે દાંડીયાત્રા શરૂ કરી હતી. દાંડી પહોંચીને તેમણે મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. ભારતને આઝાદી મળી તેના 75મા વર્ષમાં પ્રવેશ થઇ ચૂક્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. તેમણે કહ્યું કે, આપણા દેશની મહામૂલી આઝાદી માટે અનેક સ્વાતંત્ર્ય વીરો, મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, જવાહરલાલ નહેરૂ સહિતના નેતાઓએ ખુબ સંઘર્ષ કરીને આઝાદી અપાવી છે.