બનાસકાંઠા : જિલ્લામાં મોટા ભાગના લોકો ખેતી કરે છે. બનાસકાંઠા જિલ્લાના છેવાડાનો ખેડૂત આજે સારી એવી ખેતી કરી અને સારી એવી આવક મેળવી રહ્યો છે, ત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આવા ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે માટે દર વર્ષે કૃષિ ક્ષેત્રે સારી પ્રગતિ કરનાર ખેડૂતોને બેસ્ટ તરીકે એવોર્ડ આપવામાં આવે છે, ત્યારે ભારત સરકાર દ્વારા નવી દિલ્હી ખાતે ધાનુકા ઇનોવેટિવ એગ્રીકલ્ચર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી વિવિધ ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે આ એવોર્ડ સમારંભમાં બનાસકાંઠા વડગામ તાલુકાના ડાલવાણા ગામના તેલીબિયાં પાક એવા દિવેલા ક્ષેત્રે કાંતિભાઈની પસંદગી કરવામાં આવી હતી.
આ એવોર્ડ સમારોહને લઇ કાંતિભાઈ પરમારને નવી દિલ્હી ખાતે યોજાયેલા ઇનોવેટિવ એગ્રીકલ્ચર એવૉર્ડ સમારોહમાં ભારત સરકારના કૃષિરાજ્યપ્રધાન કૈલાસભાઇ ચૌધરી અને ધનુંકા કંપનીના એમડી એમ.કે.ધનુંકાના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેને લઇને વડગામ તાલુકા અને બનાસકાંઠાનું ગૌરવ વધાર્યું હતું અને પોતાના વતન ડાલવાણા ગામનું નામ રાજધાની દિલ્હી સુધી ગુંજતું કર્યું હતું. આ અંગે કાંતિભાઈ સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે મે ઓર્ગેનિક દિવેલાની ખેતી કરી છે. જેમાં મારુ ગુજરાતમાંથી સિલેક્શન કરવામાં આવ્યું હતું અને મને કૃષીપ્રધાનના હસ્તે એવોર્ડ મળતા ખુબ જ આનંદની લાગણી અનુભવ છું.




