- ડીસામાં ચૂંટણી પ્રચારમાં હંગામો
- આયાતી ઉમેદવારના વિરોધમાં પ્રચાર શરૂ
- ડીસામાં વોર્ડ ન-4ના ઉમેદવાર પર હુમલો
બનાસકાંઠાઃ જિલ્લામાં ડીસા નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક પક્ષે પોતાની જીત માટે હાલમાં પ્રચાર-પ્રસાર શરૂ કર્યો છે, પરંતુ ક્યાંકને ક્યાંક આ પ્રચારમાં ઉમેદવારોનો વિરોધ થતો જોવા મળી રહ્યો છે, ત્યારે ડીસા નગરપાલિકા ચૂંટણીમાં પણ અનેક ઉમેદવારો એવા છે કે જેમના વિરોધમાં સ્થાનિક લોકો હાલ વિરોધ પ્રદર્શન કરતા નજરે પડી રહ્યાં છે. જેથી હવે જોવાનું એ રહ્યું કે ચૂંટણી પ્રચારમાં ઉમેદવાર ચાલે છે કે પછી આવનારા સમયમાં સ્થાનિક લોકો આયાતી ઉમેદવારને જાકારો આપે છે.
ડીસામાં વોર્ડ નંબર-4ના ઉમેદવાર પર હુમલો
બનાસકાંઠાના ડીસા પાલિકામાં વોર્ડ નંબર 04માં ભાજપના ચેતન ત્રિવેદીનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. સ્થાનિક કેટલાક લોકો આયાતી ઉમેદવાર ગણી સોશિયલ મીડિયા બાદ રેલી સૂત્રોચ્ચાર અને હવે ઉમેદવારને કચડવાના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે વોર્ડ ચારમાં પ્રચાર અર્થે ચેતન ત્રિવેદી અને તેના ભાઈ જઈ રહ્યા હતા. આ સમયે ગાડી લઈને આવેલા યુવકે કચડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ ઘટના બાદ ઉમેદવાર ચેતન ત્રિવેદી ભાજપ કાર્યાલય પર દોડી આવી સમગ્ર ઘટનાથી વાકેફ કરીને જિલ્લા ભાજપ પ્રધાન મંડળને જાણ કરતા જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ વાઘેલા, મહામંત્રી ડાહ્યાભાઈ, ઉપપ્રમુખ કૈલાશ ગેલોત, ડીસા ભાજપ પ્રમુખ સંજયભાઈ, અમરત દવે સહિત ભાજપના આગેવાનો દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાને દબાવી દેવાના પ્રયાસ માટે ગુપ્ત બેઠક કરી હતી અને બાદમાં સમગ્ર ઘટનાને દબાવી દેવામાં આવી હતી અને ગુપ્ત બેઠક બાદ જિલ્લા ભાજપ પ્રમુખે આવી ઘટના બની નથી, ઉપજાવેલી ઘટના છે અને તેમની પેનલ વિજય થશે સાથે રૂટિંગ બેઠક હોવાનું જણાવ્યું હતું.
વોર્ડ ન-4ના ઉમેદવારનું નિવેદન
આ ઘટના ભાજપના ઉમેદવાર અને શહેર ભાજપ મહામંત્રી ચેતન ત્રિવેદી સાથે બની હતી ત્યારે ચેતન ત્રિવેદીએ સમગ્ર ઘટના નાદાન બુદ્ધિના લોકોએ કરી હોવાનું જણાવ્યું હતું સાથે આ બાબતે જિલ્લા ભાજપને જાણ કરી હોવાનું જણાવ્યું હતું. સાથે એ પણ કહ્યું હતું કે મારી જીત નિશ્ચિત છે માટે વિરોધીઓ કાવાદાવા કરી રહ્યા છે.
કસૂરવારો સામે કડક કાર્યવાહી થશે તેવી ચર્ચાઓ ચાલી
આ ઘટના બાદ સમગ્ર ડીસામાં ચકચાર મચી હતી અને કસૂરવારો સામે કડક કાર્યવાહી થશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે જિલ્લા ભાજપના આગેવાનોએ કાર્યવાહીની જગ્યાએ ઉમેદવારને પણ ખખડાવી દેતા સમગ્ર ઘટના દબાવી દેવામાં આવી હતી ત્યારે સાચી ઘટનાને દબાવી દેવાઈ કે પછી ઉપજાવેલી ઘટના છે તેને લઈને હાલ ચર્ચા એ જોર પકડ્યું છે.