- દિયોદરના લુદરા ગામ પાસે ST બસના કર્મચારી પર અસામાજિક તત્વો દ્વારા હુમલો
- એક જ અઠવાડિયામાં મારામારીના અનેક બનાવો આવ્યા સામે આવ્યા
- કર્મચારીને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો
બનાસકાંઠા : જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે. આ લોકો નજીવી બાબતે આવેશમાં આવી જઈને હત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. લોકોને જાણે હવે પોલીસનો પણ ડર રહ્યો ન હોય તેમ એક પછી એક ગંભીર ગુનાહિત ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. આ બાબતે પોલીસ આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરશે તો જ આવનારા સમયમાં વારંવાર બનતી ઘટનાઓ અટકી શકે તેમ છે.
આ પણ વાંચો : જામનગરમાં અસામાજિક તત્ત્વો બેફામ, બંધ પડેલી કારના કાચ તોડી ફરાર
એ ST બસના કર્મચારી પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો
જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી એક પછી એક મારામારીના અનેક બનાવો સામે આવ્યા છે. લોકો નાની એવી બાબતમાં આવેશમાં આવી તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી રહ્યા છે. ત્યારે દિયોદર તાલુકાના લુદરા ગામ પાસે એસ.ટી.બસ કર્મચારી શિવાભાઈ દેસાઈ અને અસામાજિક તત્વો વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી. જે પછી આ સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતા અસામાજિક તત્ત્વોએ એસટી બસના કર્મચારી પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં એસટી બસના કર્મચારીને ગંભીર ઇજાઓ થઇ હતી.
આ પણ વાંચો : ડીસામાં ટોળાએ કર્યો પરિવાર પર જીવલેણ હુમલો, ટોળા વિરૂદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ
ઇજાગ્રસ્ત બસ કર્મચારીને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડાયો
દિયોદર તાલુકાના લુદરા ગામે બનેલ મારામારીની ઘટનામાં બસ કર્મચારીને ગંભીર ઇજાઓ થઈ હતી. આ ઘટના બનતા આજુબાજુના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે મારામારીની ઘટનામાં ઇજાગ્રસ્ત બસ કર્મચારીને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બાબતે અજાણ્યા શખ્સો વિરુદ્ધ શિવાભાઈ દેસાઈએ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.