બનાસકાંઠા : લોકડાઉન દરમિયાન પણ ખેડૂતો કામ કરતા રહ્યાં છે. જેથી કૃષિ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે 1 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને મધમાખી પશુપાલકો માટે પણ 500 કરોડ સહાયની જાહેરાત કરી છે. આમ તો મધમાખી ઉછેર માટે ભૌગોલિક રીતે બધી જ રીતે બનાસકાંઠા જિલ્લાનો વિસ્તાર ખૂબ જ અનુકૂળ છે અને છેલ્લા ઘણા સમયથી અનેક ખેડૂતો મધમાખીની ખેતી કરી લાખો રૂપિયાની આવક પણ કરી રહ્યા છે.
પરંતુ અત્યાર સુધી મધની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને ખાસ કોઇ સરકારી સહાય ન મળતી હોવાના કારણે આ ઓછા લોકો મધની ખેતીમાં રસ ધરાવતા હતા. પરંતુ હવે જ્યારે સરકારે મધની ખેતી સાથે સંકળાયેલા લોકોને પણ સહાય કરવાની જાહેરાત કરતા બનાસકાંઠા જિલ્લામાં પણ મધમાખી ઉછેર કેન્દ્ર સાથે સંકળાયેલા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. વધુમાં વધુ ખેડૂતો હવે સરકારી સહાય થકી મધની ખેતી કરી વધુ આવક મેળવશે તેમ ખેડૂતોનું માનવું છે.