- બનાસકાંઠાના પાલનપુરમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને નુકસાન પહોંચાડાયું
- અસામાજિક તત્ત્વો સુભાષચંદ્ર બોઝની પ્રતિમાના ચશ્મા તોડી થઈ ગયા ફરાર
- સ્વચ્છતાની મોટી મોટી વાતો કરનારી પાલિકા સામે લોકોએ ઊઠાવ્યા અનેક સવાલ
બનાસકાંઠાઃ જિલ્લા મથક પાલનપુરના કીર્તિસ્તંભ નજીક સ્વ. નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા આવેલી છે, પરંતુ કેટલાક અસામાજિક તત્ત્વોએ નેતાજીના ચશ્મા તોડી નાખી પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું છે. બીજી તરફ પાલિકા પણ આવા મહાનુભાવોની પ્રતિમાની કાળજી રાખવામાં ઉદાસીનતા દાખવતી હોવાથી પાલિકા સામે લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે સ્વચ્છતાની બુમરાણ પોકારતી પાલનપુર પાલિકા મહાનુભાવોની સફાઈ પ્રત્યે પણ ઉદાસીન જોવા મળી હતી.
મહાનુભાવોની પ્રતિમા સાથે ચેડા કરતા અસામાજિક તત્વો સામે લોકો રોષે ભરાયા
પશ્ચિમ બંગાળના વતની અને આઝાદીની લડતના મુખ્ય શિલ્પકાર નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 22 જાન્યુઆરી 1897માં થયો હતો, પરંતુ 1945માં એક વિમાન દુર્ઘટનામાં રહસ્યમયી સંજોગોમાં તેમનું અવસાન થયું હોવાનું મનાય છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર ખાતે 22 નવેમ્બર 1999ના રોજ તત્કાલીન પાલિકાના પ્રમુખ અશોક ઠાકોરની અધ્યક્ષતામાં નેતાજીની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું, પરંતુ પાલિકા આવા મહાનુભાવોની પ્રતિમાંને જન્મ અને મરણ તિથિએ વરસમાં માત્ર બે દિવસ જ યાદ કરતી હોય છે. ત્યારબાદ પાલિકાને આવા મહાપુરૂષોની પ્રતિમાની સફાઈ લેવાનું કે તેમની કોઈ કાળજી લેવાનું સૂઝતું નથી. આના પરિણામે અનેકવાર આવા મહાનુભાવોની પ્રતિમા સાથે ચેડા કરી અસામાજિક તત્ત્વો તેમનું અપમાન કરી નાંખતા હોય છે.
જે પ્રમુખની હાજરીમાં 1999માં પ્રતિમાનું અનાવરણ થયું હતું તેઓ હાલમાં પણ પ્રમુખ છતા આવું થતા લોકોમાં રોષ
તાજેતરમાં પાલનપુરમાં પણ સ્વ. નેતાજીની પ્રતિમાના ચશ્માં કેટલાંક અસામાજિક તત્ત્વો દ્વારા તોડી પાડવામાં આવ્યાં છે. એટલું જ નહીં પાલિકાની બેદરકારીને લીધે આ પ્રતિમા પર કબૂતરોના અધારનો ખડકલો જામેલો પણ જોવા મળે છે. સ્વચ્છતાની મોટી મોટી વાતો કરનારી પાલિકા આવા મહાપુરૂષોની પ્રતિમાની સફાઈ સુદ્ધાં નથી કરાવી શકતી તે ખૂબ બાબતને લઈ નેતાજીના સમર્થકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અહીં, સૌથી વધુ ઊડીને આંખે વળગે તેવી બાબત એ છે કે, જે પાલિકા પ્રમુખે આ મૂર્તિનું અનાવરણ કરાવ્યું હતું તે જ વ્યક્તિ હાલમાં પણ પાલિકાના પ્રમુખ હોવા છતાં નેતાજીની પ્રતિમાનું આવું ઘોર અપમાન સામે આવ્યું છે,જે ખૂબ જ નિંદનીય અને ઘૃણાસ્પદ હોવાનું શહેરના પ્રબુદ્ધ નાગરિકો માની રહ્યા છે.